Portfolio

Aarpar – His venture of Gujarati weekly magazine

Aarpar – His venture of Gujarati weekly magazine

His venture “Aarpar”, a Gujarati weekly magazine was vehemently accepted by people in very short time because of his clean image, ethical journalism and pro-people approach.

આરપાર, તા. 03-11-2001

તંત્રી સ્થાનેથી

ભારતને આઝાદી પ્રાપ્ત થયા બાદ સૌ પ્રથમ કાર્ય ભારતના બંધારણ ઘડવા માટેનું હાથ ધરાયેલું ત્યારે વિવિધ ધર્મો, જાતિઓ, ભાષાઓ ઉપરાંત આર્થિક અસમાનતાઓ ધરાવતી ભારતીય પ્રજાને એક જ બંધારણ હેઠળ એક સૂત્રે બાંધવા માટે ઉત્તમ શાસન વ્યવસ્થા લોકશાહીની વિચારાયેલી. લોકશાહી એજ શાસનની ઉત્તમ વ્યવસ્થા છે એવું વિશ્વનાં અનેક દેશોનાં અનુભવો બાદ હવે તો પૂરવાર થઈ ચૂક્યું છે, એટલે લોકશાહી શાસન વ્યવસ્થા સ્વીકારવાનો આપણો નિર્ણ્ય ખોટો હતો કે સાચો ? તેવી ચર્ચા તો અસ્થાને જ છે. તેમ છતાં એકવાર મારા પ્રશ્નનાં સંદર્ભમાં આપણા રાજ્યના સાચા સંત અને પ્રખર વિચારક એવા સ્વામી સચ્ચિદાનંદજીએ મને સચોટ વાત એક જ વાક્યમાં કહેલી કે લોકશાહી તો જ ઉત્તમ હોઈ શકે, જો લોકો ઉત્તમ હોય. આમ, લોકશાહીનાં ઉત્તમ ફળો ચાખવા માટે પ્રજાનું ઉત્તમ હોવું, એ પાયાની શરત છે.

આપણાં બંધારણના ઘડવૈયાઓએ ઉત્તમ લોકશાહીની કલ્પના કરેલી ત્યારે દેશની પ્રજાને પણ ઉત્તમની કક્ષામાં કલ્પેલી. એક બાબત એ પણ છે કે શાસન વ્યવસ્થા ગમે તે હોય, દરેકને પોતાની ખૂબીઓ સાથે કેટલીક મર્યાદાઓ પણ હોય જ છે. જે તે સમયે આપણી પ્રજા મહદ્ અંશે નિરક્ષર, ગરીબ કે અન્ય કારણોસર પછાત હતી. એ સૌના ઉત્કર્ષ માટેનાં ઉપાયો પણ વિચારાયા હતા, છતાં અડધા સૈકા બાદનું આપણું સરવૈયું તપાસતા જે હતાશા સાંપડે છે, તેનું એક માત્ર કારણ વસ્તી વધારો નથી જ. આપણે ત્યાં અમીર-ગરીબની ખાઈ ઊંડી થતી ગઈ. ભ્રષ્ટાચાર બેફામ વધ્યો, નિરક્ષરતા કે ગરીબી નાબૂદ ન થઈ, કોમવાદ કે જાતિવાદનું ઝેર વધારે ફેલાયું, ગુનાખોરીનું પ્રમાણ વધ્યું, રાષ્ટ્રીય ભાવના પ્રબળ બનવાનો બદલે સંકુચિત પ્રાંતવાદ ઝનૂની બન્યો. બેરોજગારી વધી. ચારિત્ર્ય બાબતે લોકો નબળા પડવા લાગ્યા. જાહેર જીવનમાં નૈતિક મૂલ્યોનું મહત્વ, આચાર-સંહિતા કે વિચારસરણી જેવા શબ્દો ખોખલા બની ગયા. સ્વાર્થ અને તકવાદના રાજકારણે સમગ્ર રાષ્ટ્રને આજે એવો ભરડો લઈ લીધેલો છે કે પ્રજા પણ આ વિષચક્રમાં મને-કમને સામેલ થઈ ગઈ છે. જાણે બધું બરાબર ચાલી રહ્યું છે. વધારે વિચારવાની માથાકૂટમાં ન પડતાં આપણે સૌ છેવટે કળિયુગને દોષ આપી દઈએ છીએ.

આવું એટલા માટે સમાજનાં પ્રત્યેક વર્ગના લોકો પોતપોતાની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહ્યા છે. જાહેરજીવનમાં આદર્શો કે સિદ્ધાંતોનો આગ્રહ રહ્યો નથી. `કોઈપણ ભોગે સત્તા’ના એકમાત્ર સૂત્રની આસપાસ સમગ્ર રાજકારણ ખેલાતું રહે છે. તકવાદીઓ અને દંભીઓએ નૈતિક મૂલ્યોમાં માનનારાઓને જાણે હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દીધા છે. મતોનું રાજકારણ એટલી હદે ખરાબ રીતે વકર્યું છે કે મનુષ્યની રોજી-રોટીની ચિંતાને બદલે મંદિર-મસ્જિદની ચિંતા મોટી બની છે. લોકોના હૃદયમાં રહેલી ઈશ્વર કે અલ્લાહ પ્રત્યેની આસ્થાની રોકડી કરી લેવાની હોડ મચી છે. વંચિતોની મનોદશામાંથી પેદા થયેલી નકારાત્મક વિચારસરણીને નફરતભર્યો દ્દષ્ટિકોણ કેળવવાની જે પદ્ધતિસરની મુહિમઆ દેશમાં છેડી છે, તેનાં સારાં પરિણામ ક્યારેય નહીં આવે. આ દેશનાં કરોડો ગરીબો કે જેમને સવારે જાણ નથી કે સાંજનો રોટલો ક્યાંથી આવશે ? તેની સાથે નિરાંતે બેસીને પૂછવા જેવું છે, “ભાઈ, તારો ધર્મ શું છે ? આ રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદની વાતો તને શા કારણે ઉત્તેજીત નથી કરતી ? તારું વર્તમાન જીવન ભલે આટલું દુષ્કર હોય, પણ આપણો ભવ્ય ભૂતકાળ તને ગૌરવાન્વિત કેમ નથી કરતો ? તારા બાળ-બચ્ચા આ ધોમધખતાં તડકામાં અને કડકડતી ઠંડીમાં વગર કપડે વગર છાપરે સબડે છે એ સાચું, પણ આપણી સંસ્કૃતિનું આ અપમાન નથી શું ?” એ ઊંડી ઘૂસી ગયેલી આંખોમાંની ચમક અ કાળજું ચીરી નાખતી તેની ખામોશી હલબલાવી ન દે તો માનવું કે માનવતા સમૂળગી મરી પરવારી છે. આ લખનારે આવા પ્રયોગો કર્યા બાદ ‘આરપાર’નું તંત્રીપદ સ્વીકાર્યું છે.

આરપારમાં અમે વિવિધ વિભાગો એ રીતે સમાવ્યા છે, જેમાં દરેક વર્ગના લોકો માટે જ્ઞાનવર્ધક માહિતી તથા મનોરંજનની સામગ્રી તો હશે જ, પરંતુ તે સાથે કેટલાંક ચોક્કસ અને તદ્દન નવીનતમ્ અભિગમવાળા વિભાગો છે કે જેમાં પ્રજાનાં જ શબ્દોમાં વાચા મળવાની છે. ‘આમને-સામને’, સમરાંગણ,વિચારબેંક,માહિતીખાનું,રામભરોસે,માનનીય મુખ્યમંત્રીશ્રી જેવાં કેટલાંક વિભાગો અનેક પ્રકારનાં પ્રશ્નોને વાચા આપતા વિભાગો છે. જેની થોડી છણાવટ આગળ ઉપર કરી છે. વહીવટીતંત્ર દ્વારા થયેલાં કાર્યો પર રચનાત્મક દ્રષ્ટિકોણ દાખવીને સમીક્ષા,જિલ્લા પ્રોફાઈલ જેવા વિભાગોમાં માહિતીઓ આપીશું. કોઈપણ માહિતી આપતી વખતે અમે શક્ય એટલી બધી જ કાળજી દાખવવા પૂરા પ્રયત્નો કરનાર છીએ.

આરપાર સામયિકનું પ્રકાશન એક શુદ્ધ ધ્યેય સાથે થઈ રહ્યું છે. આરપાર સાપ્તાહિક જનકલ્યાણ, રાષ્ટ્રસેવા અને સદ્દવિચાર પ્રસારનાં ધ્યેય સાથે પદાર્પણ કરી રહ્યું છે. આ સામયિક માત્ર મનોરંજન, જ્ઞાનવર્ધક માહિતીઓ કે ટાઈમપાસનું માધ્યમ માત્ર બની ન રહેતાં, તે ગરીબ, નિરક્ષર કે નિઃસહાય લોકોનાં પ્રશ્નોને વાચા આપવા મોટીની સબળ ભૂમિકા પણ ભજવવા ઈચ્છે છે. રાજ્યના માત્ર શહેરો કે જિલ્લાઓની જ નહીં, પરંતુ ગામડે-ગામડેથી આવતી ખબરોનું પણ એ ખબરપત્રી બનવા ધારે છે. ‘આરપાર’ પોતાના અહેવાલો, સર્વેક્ષણો અને સમાચારો કોઈની પણ સામે અંગત રાગદ્વેષ રાખ્યા સિવાય તટસ્થતાપૂર્વક, નિર્ભિકપણે પ્રકાશિત કરતું રહેશે. રાજનેતાઓ, અધિકારીઓ કે સમાજના કોઈપણ વર્ગને અમારા થકી અજાણતા પણ અન્યાય ન થાય તે માટે અમારે જાગૃત રહેવું પડશે. અમારી ભૂલો સામે આપ સૌ વાચકોને પણ આંખમિંચામણા ન કરવા મારી આગ્રહભરી વિનંતી છે. અન્યથા અમારું ધ્યેય ફંટાઈ જતાં વાર નહીં લાગે.

અંતમાં આરપાર માટે પત્રકારત્વ એક મિશન છે. આરપાર પરિવારના સભ્યો આપની પાસે આપની વાત સાંભળવા આવશે, આપની વાત સમજવા આવશે અને આપની વાત જનજન સુધી પહોંચાડવા મળશે. આપ સૌનો સક્રિય સાથ અને સહકાર એ અમારો પ્રેરણાસ્ત્રોત રહેશે.

હું માનું છું ત્યાં સુધી મારી, અમારી આપણી સૌની વ્યક્તિગત, સામાજીક અને રાષ્ટ્રીય જવાબાદરીઓમાં પ્રાથમિકતાની દ્દષ્ટિએ તદ્દન ગરીબ, નિરક્ષર અ નિઃસહાય લોકોની મદદ, જોઈએ આરપારનાં માધ્યમ દ્વારા અમે સૌ એ દ્દષ્ટિએ જરૂરતમંદોના મિત્ર, માર્ગદર્શક કે મદદગાર બનવા પણ મથીશું.

હાર્દિક શુભેચ્છાઓ સહ…

(સુધીર રાવળ)

Click here to read full cover story.

Scroll Up