Blog

સરકાર સત્તા ટકાવી રાખે કે વહિવટ ચલાવે?

સપ્તાહની મહત્ત્વની ઘટનાઓ ઉપર નજર નાંખવી એટલે સરકારી તંત્રમાં વિવિધ મંત્રાલયોમાં શા શા મહત્ત્વનાં નિર્ણયો લેવાયા? તેવું વિચારવાનાં બદલે રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો વચ્ચે ચાલતા આંતરવિગ્રહ અને તેના પરિણામો ઉપર જ દૃષ્ટિપાત થઈ જાય તેવી માનસિકતા કોલમ લેખકોની અજાણતા પણ થતી જાય છે. આનું કારણ સ્પષ્ટ છે કે સરકારી કામકાજ જે રીતે થવા જોઈએ તે તો થતા જ નથી, પરંતુ સરકાર ચલાવતા દિગ્ગજો, પોતાના રાજકીય અસ્તિત્વ ટકાવવાની ચિંતામાં જ 24 કલાકમાંથી પૂરા 24 કલાક વાપરતા રહેતા હોય છે અને તેથી પક્ષોનું રાજકારણ જ દરરોજનાં સમાચાર બન્યા કરતું હોય છે. કોંગ્રેસની વાત કરીએ તો પ્રણવ મુખર્જીના વડપણ હેઠળ એક “ઉચ્ચ અધિકારી પ્રાપ્ત” સમિતિ જે મોટાભાગે વિચારવાનું અને યોજનાઓ બનાવવાનું કામ કરશે, કોંગ્રેસ કાર્યકારી સમિતિમાં ઓસ્કાર ફર્નાન્ડિઝ, મીરાંકુમાર, જે.બી. પટનાયક તથા મિઝોરમનાં મુખ્યમંત્રી લાલથનહવ્લાની નિમણૂકો કરવામાં આવી. ભારતીય જનતાપક્ષની વાત કરીએ તો મદનલાલ ખુરાનાને સમજાવી લેવાયા પરિણામે તેમણે તેમનું ઉપપ્રમુખ તરીકેનું રાજીનામું પાછું ખેંચી લીધું અને “આજ્ઞાતવાસ”માંથી પાછા “જાહેરજીવન”માં આવી ગયા. મોરચાની વાત કરીએ તો સ્ટીયરીંગ કમિટીની મિટિંગમાં પેટ્રોલિયમ પદાર્થોની કિંમત બાબતનો નિર્ણય વડાપ્રધાન ગુજરાલ તથા મંત્રીમંડળને સોંપી દેવાયો. સરકારની વાત કરીએ તો ગુજરાલે ભ્રષ્ટાચાર સામે લડવાનાં તંત્ર બનાવવાની અને બનાવી દીધાની “જાહેરાત” કરી દીધી. પ્રધાનમંડળની બેઠકમાં પેટ્રોલિયમ પદાર્થોની કિંમત બાબતે પેટ્રોલિયમ મંત્રી “સંજોગોવશાત્” હાજર ન રહી શકતાં કોઈ નિર્ણય ન લઈ શકાયો, રેણુકા ચૌધરીએ “નાનું કુટુંબ, સુખી કુટુંબ” પ્રત્યે જાગૃતિ લાવવાનું અભિયાન શરૂ કર્યું, અદાલતોના મામલાઓ ઉપર નજર નાંખીએ તો એક પિટિશનના સંદર્ભમાં દિલ્હી હાઈકોર્ટે સેન્ટ કીટ્સ કેસમાં નરસિંહરાવને નોટિસ ઠપકારી, યુરિયા કાંડમાં તેમનાં પુત્રની અરજીને નકારવામાં આવી, કલ્પનાથ રાયની સામે ખાંડ કૌભાંડ મામલે ફરી તપાસનાં આદેશો અપાયા, લખુભાઈ કેસમાં રાવ, ચંદ્રાસ્વામીની અપીલ મુજબ તેમનાં વકીલોને વિદેશમાં તપાસ માટે જવાની પરવાનગી ન અપાઈ, જેવી ઘટનાઓની નોંધ લેવી પડે. બાકી તો જન્માષ્ટમીની ઉજવણી આખા શહેરમાં ખૂબ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી. રાષ્ટ્રપતિ રહી ચૂકેલા ડો. શંકરદયાળ શર્માનો જન્મદિવસ અને વડાપ્રધાન રહી ચૂકેલા ચંદ્રશેખરનાં ધર્મપત્ની શ્રીમતી દુઈજાદેવીનો મૃત્યુ દિવસ પણ આજ સપ્તાહની ઘટના હતી. આમ છતાં મુખ્ય અને નોંધપાત્ર જે ઘટનાઓ બની કહેવાય તે ખાસ કરીને ભારતની સરહદે પાકિસ્તાને ગોળીબાર કર્યો સંસદનું વિશેષ સત્ર શરૂ થયું અને વડાપ્રધાન ભ્રષ્ટાચાર માટે કંઈક નક્કર કરવા કાર્યરત થયા છે તે જ છે.

સરહદ પર અશાંતિ શાનો સંકેત?

આમ તો ભારત-પાક. સરહદે ગોળીબારોની ઘટના બનતી જ રહેતી હોય છે તથા બંને દેશોના સૈનિકો વચ્ચે નાની-મોટી ખુવારીઓ પણ થતી જ રહેતી હોય છે. તદ્ઉપરાંત ખાસ કરીને ઓગસ્ટ માસમાં તો આવી ઘટનાઓ વધારે પણ બનતી હોવાના કેટલાંક કારણો છે-જેવા કે ઉગ્રવાદીઓને ભારતમાં ઘુસાડી દેવા માટે આ ઋતુ વધારે અનુકૂળ હોય છે. પરંતુ આ વખતે જે ગોળીબારો થયા છે તેમાં અધિકૃત આંકડાઓ પ્રમાણે પણ પાકિસ્તાનના 50થી વધારે સૈનિકો માર્યા ગયા છે. આટલી મોટી ખુવારી વહોરી લેવા પાછળનો પાકિસ્તાનનો ઉદ્દેશ્ય શું હોઈ શકે તે માટે ગંભીરતાથી વિચારવું જરૂરી છે.

જમ્મુ-કાશ્મીરની વાસ્તવિક નિયંત્રણ રેખાની પેલેપાર પાકિસ્તાનના અંકુશ હેઠળની કાશ્મીરની પ્રજા અને ભારતના કાશ્મીરની પ્રજા હવે શાંતિની ઝંખના કરી રહી છે. ભારત અને પાકિસ્તાનનાં વર્તમાન વડાપ્રધાનો અનુક્રમે આઈ.કે. ગુજરાલ અને નવાઝ શરીફ બંને નેતાઓ બંને દેશો વચ્ચે શાંતિ અને મૈત્રીનું વાતાવરણ સ્થાપવા માટે અતિઉત્સુક છે. બંને દેશોની પ્રજાની ઈચ્છાનો  જ આમાં અણસાર વર્તાય છે. જ્યારે પાકિસ્તાનનું લશ્કર અને તેની આઈ.એસ.આઈ. જેવી કુખ્યાત સંસ્થા હરગીઝ એવું નથી ઈચ્છતી કે બને દેશો આવા રાજનૈતિક પ્રયાસો દ્વારા નિકટ આવે. પાકિસ્તાની લશ્કર એવું ઈચ્છે છે કે કાશ્મીર પ્રશ્ને ત્રીજા દેશની મધ્યસ્થી હોવી જરૂરી છે, ભલે જાહેરમાં એ વાત ન થતી હોય અને અમેરિકા પણ પ્રત્યક્ષ રૂપે દાવો ન કરતું હોય છતાં અમરિકાનાં પ્રયાસો એવા રહ્યા છે કે ભારત-પાક.ની કાશ્મીરની ચર્ચાઓમાં ગમે તેમ “મોટાભા” બનીને ઘુસી જવું અને એટલે જ અમેરિકી પ્રમુખે આપણાં વડાપ્રધાનને 22મી સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં મળવા આવવા કહ્યું છે. કારણ કે આજ દિવસે નવાઝ શરીફ ક્લીન્ટનને મળવાના છે. આથી જો ગુજરાલ પણ ક્લીન્ટનને મળે તો ત્યાં જ બંને નેતાઓને સાથે રાખીને ક્લીન્ટન “ચા-પાણી” પી લેવાની યોજના ઘડી કાઢવા તત્પર છે, પરંતુ ગુજરાલ વિદેશી બાબોતમાં પહેલેથી કાચા નથી. પોતે ન્યૂયોર્કમાં યુનોની સભાને સંબોધવા 9.30 સપ્ટેમ્બરે જનાર હોઈ આઠ દિવસ પહેલાં ક્લીન્ટનને મળવા જરાય આતુર નથી. તેમણે ક્લીન્ટનની “મળવાની ઈચ્છા”ને જરાપણ પ્રતિસાદ ન આપીને જે સંકેત મોકલવાનો હતો તે મોકલી દીધો છે.

આ બાબતો એ પણ સાબિત કરે છે કે નવાઝ શરીફની પ્રજા દ્વારા ચૂંટાયેલી લોકપ્રિય સરકાર ઉપર લશ્કર આઈએસઆઈ અને અમેરિકાનું હજુ કેટલું વર્ચસ્વ છે? ભારતે પાકિસ્તાન સાથે મૈત્રીનો હાથ લંબાયો છે. અને પાકિસ્તાને પણ એવો જ ઉમળકાભર્યો પ્રતિસાદ આપ્યો છે, છતાં પણ બંને દેશે આ ત્રીજા બળને ધ્યાનમાં રાખીને જ ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે.

વાત વિશ્વનાથ પ્રતાપસિંહની

“રાજનીતિ અને રચનાત્મકતા વચ્ચે જમીન આસમાનનો ફરક છે. રાજનીતિમાં માણસે પોતાની લાગણીઓ, ભાવનાઓને કચડીને કામો કરવા પડતાં હોય છે. મારી સંવેદનાઓ રાજકારણમાં રહીને મરી પરવારી છે. હું જેવો મનુષ્ય પહેલાં હતો, તેવો નથી રહ્યો, તેથી હવે હું મારા મૂળ માંસ્થલાને શોધીને શેષ જીવન પસાર કરવા ઈચ્છું છું.”આ શબ્દો કંઈ ભારતનાં મહાન નવરત્નો કે સંતોની ચોપડીઓમાંથી લઈને ટાંક્યા નથી, પરંતુ વર્તમાન રાજનીતિમાં પરોક્ષ રીતે હજૂ પણ સક્રિય અને આપણાં ભૂતપૂર્વ વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહના છે. તેઓએ હમણાં એક ટી.વી. ચેનલને મુલાકાત આપી હતી. તેઓ પોતાની બીમારી અને સારવાર વચ્ચે મોટાભાગનો સમય લખવામાં વ્યતીત કરી રહ્યા છે. ત્યારે તેમનું કલ્પનાશીલ હૃદય અને વિચારશીલ મગજ “સ્વ”ની દુનિયામાં ખોવાયેલું રહે છે. તેઓએ પોતાના દિલમાં રહેલી અનેક વાતો ખૂબ હૃદયસ્પર્શી શૈલીમાં સહજભાવે વ્યક્ત કરી છે.

તેમનાં કહેવા પ્રમાણે જીવનમાં રાજનીતિ કરતાં પણ વિશેષ ખૂબ જ મહત્ત્વનાં કાર્યો છે, જે કરવા જેવા હોય છે. વર્તમાન રાજકારણમાં પાખંડનાં તત્ત્વને તેમણે દુઃખ સાથે સ્વીકાર્યું છે. તેઓ કહે છે કે રાજકારણમાં નેતાઓએ બોલતી કે કાર્ય કરતી વખતે નજર સમક્ષ લોકોની તાળીઓની અપેક્ષા રાખવી પડે છે, જ્યારે રચનાત્મકતાના ગુણો ધરાવનારા કલાકારો, વૈજ્ઞાનિકો, કવિઓ વગેરે પોતાની કળા અને કાર્યમાં એટલા બધાં મશગૂલ હોય છે કે તેમને કોઈની જરૂર પડતી નથી. તેમનાં મતે આવી રચનાત્મકતાં, રાજનીતિ કરતાં વિશેષ મહત્ત્વની છે.

વી.પી. સિંહને જયપ્રકાશ નારાયણની જેમ જ દર બીજા દિવસે ચાર-ચાર કલાક માટે ડાયાલિસિસ ઉપર જવું પડે છે. પોતાની 67 વર્ષની ઉંમર અને સ્વાસ્થ્યને જાણતા આ રાજનેતા ઉમેરે છે કે આ ઉંમરે થોડું વધારે જીવવું કે ઓછું તેનાંથી કંઈ ફર્ક પડતો નથી. મેં જેટલું મેળવ્યું છે. તેથી હું સંતુષ્ટ છું. હું પ્રકૃતિ સાથે સંવાદ કરવામાં માનું છું. ઈશ્વરને સર્વશક્તિમાનના રૂપમાં નહીં, પંરતુ મિત્રનાં રૂપમાં તેની સાથે પ્રશ્નોત્તરી કરવામાં વધારે ઈચ્છુક રહ્યો છું. હું મારી આસ્થાને કોઈ નામ દેવા નથી માંગતો.”

આ વિશ્વનાથ પ્રતાપસિંહ આજકાલ પોતે જેનાં મૂળ પ્રેરણાસ્ત્રોત કહેવાયા છે તેવા સંયુક્ત મોરચાના નેતાઓથી ભારે વ્યથિત છે. સંયુક્ત મોરચાની રચનાનો ઉદ્દેશ અને તે પાછળની ભાવના પરિપૂર્ણ થતી હોવાના ક્યાંય એંધાણ ન દેખાતા હવે તેઓ કોંગ્રેસને પણ આમાં સામેલ કરવા માંગે છે. ભાઈચારાનું મહત્ત્વ વિશેષ ગણતા આ ધુરંધર કોમવાદે કાબૂમાં રાખવા ઘણાં ચિંતીત છે, ત્યારે નેતાઓ તેની વાત કેટીલ માને છે, તે જ તો મહત્ત્વની પ્રજાની ચિંતા છે.

ભ્રષ્ટાચાર હવે ભાગ્યો જ સમજો…??

રાજકારણમાંથી ભ્રષ્ટાચાર અને અપરાધીકરણના દૂષણો દૂર કરવાની વાતો હવે ખૂબ થવા માંડી છે. બધાં જ આ દૂષણોને ડામી દેવાની ગુલબાંગો પોકારે છે અને આપણાં સંનિષ્ઠ વડાપ્રધાને ભ્રષ્ટાચારને નિર્મૂળ કરી દેવા માટે પંદર દિવસમાં બીજીવાર આહ્વાન કરીને અક મોટા તંત્રની રચના પણ કરી નાંખી છે. એટલું જ નહીં ચૂંટણી કમિશનર જી.વી.જી. ક્રિષ્નામૂર્તિનાં અક પ્રસ્તાવને કેન્દ્રીય કાયદો બનાવી નાંખવાની વાતને પોતાનુ સમર્થન પણ આપી દીધું. સવાલ એ છે કે વડાપ્રધાન કે ચૂંટણી કમિશનર જેવા સાફ-સૂથરા માણસોની ઈચ્છા માત્રથી ભ્રષ્ટાચાર દૂર થઈ જવાનો છે? જે સંસદમાં ઉપર કહેલા દૂષણોથી ઘેરાયેલા હોય તેવા ઓછામાં ઓછા ચાળીસ સાંસદો બેઠા હોય, કેટલાંય સામે કેસો કરાયેલા હોય અને કેટલાંય ગોટાળાઅ વચ્ચે પણ એ જ દિશામાં સક્રિય હોય ત્યારે શું આવી સ્થિતિને કાબૂમાં લાવવા માત્ર કાયદો બનાવવાથી જ બધું સરખું થઈ જશે કાયદા તો કદાપી ભ્રષ્ટાચાર નહીં કરવાનું પહેલેથી કહેતા આવ્યા છે, તો આમ કેમ થયું? હજુ નવા હજુ નવા કાયદાઅઓ આવશે પણ અમલીકરણમાં ફેરફાર નહીં થાય તો હાલહવાલ આનાઆજ રહેવાના. એથી જો વડાપ્રધાન કંઈ નક્કર કરી બતાવવા જ માંગતા હોય તો તેમણે એકમાત્ર ભ્રષ્ટાચારના મુદ્દે પણ રાત-દિવસ એક કરી નાંખવા પડશે. કાયદાઓનું પાલન ચુસ્ત થાય તે રીતે વહિવટી તંત્ર મજબૂત બનાવવું પડશે. અનેક મુસીબતો તથા અવરોધો વચ્ચે પણ ઢીલાશ નહીં દાખવાય તો પ્રજાનો સ્વંયભૂ ટેકો તેમનું મોટું બળ બની જશે અને તેમના આહવાનની આંશિક સફળતા પણ પ્રજાની મોટી રાહત હશે.

જે દેશનાં વડાપ્રધાન જાહેરમાં એવું કહેતા હોય કે અત્યારે તો ઘણીવાર એવું બનતું હોય છે કે જેમની સાથે કોઈ સામાજિક વ્યવહાર પણ ન રાખી શકાય અવી વ્યક્તિઓની બાજુમાં સંસદમાં બેસવું પડે છે! તે દેશની, દેશનાં વડાપ્રધાનની અને તે દેશની પ્રજાની દયા જ ખાવી પડે.વિશ્વનાં પ્રથમ દસ ભ્રષ્ટાચારી દેશોમાં ભારતનું નામ પણ આવી ગયું છે, ત્યારે હવે વડાપ્રધાને ગંભીર પ્રયાસો આદર્યા તો છે જ જેની સફળતા માટે પ્રભુ પ્રાર્થીએ.

સંસદનું વિશેષ સત્ર

સંસદનું ચાર જ દિવસ માટેનું અધિવેશન શરૂ થઈ ગયુ છે. દેશની સમસ્યાઓ ઉપરરાષ્ટ્રીય દૃષ્ટિથી વિચારીને ઉકેલો શોધવા માટે, પક્ષીય ભાવનાઓની બહાર આવીને ભૂખ, ભય અને ભ્રષ્ટાચારથી મુક્તિ મેળવવા માટે આઝાદીની એક નવી લડાઈ છેડી દેવાની પ્રક્રિયાનો આરંભ થઈ ગયો છે. ઈતિહાસમાં પ્રથમવાર લોકસભાના સ્પીકરે ભાષણ આપ્યું હોય તેવું બન્યું છે. દરેક પક્ષોએ છેલ્લા 50 વર્ષના ઈતિહાસમાં શી સિદ્ધિઓ મેળવાઈ અને શી ભૂલો થઈ તે અંગે પોતપોતાના વિચારો પ્રશંસનીય રીતે વ્યક્ત કર્યા. આખી સંસદે સંકલ્પ કર્યો કે આવનારા વર્ષોમાં ભારતની વિશ્વમાં અક સશસ્ત રાષ્ટ્ર તરીકે સ્થાપના કરવી છે અને તે માટેની જવાબદારી આપણે પૂરી ગંભીરતાથી નિભાવવાની છે.

સ્પીકર સંગમાં ખૂબ જ પ્રભાવશાળી રહ્યા. તે ઉપરાંત અટલબિહારી વાજપાયી, માધવરાવ સિંધિયા, શરદ યાદવ, સોમનાથ ચેટર્જી, ચિત્તા બાસુ, જ્યોર્જ ફર્નાન્ડીઝ, ચતુરામન મિશ્ર જેવા નેતાઓએ પોતપોતાના પક્ષો વતી વિચારો વ્યક્ત કર્યા હતા. આ અધિવેશન “આશાસ્પદ” તેમજ પ્રશંસાપાત્ર બની રહેવાનાં તમામ એંધાણો નજરે પડી રહ્યા છે.

Leave a reply

Scroll Up