Blog

શાંતિદૂતોની સક્રિયતા

શાંતિદૂતોની સક્રિયતા

હવે લાગે છે કે અયોધ્યાનો મંદિર-મસ્જિદનો વિવાદ હવે શમ્યે જ છૂટકો. અચાનક કેટલાયં શાંતિદૂતો ટકારાવના વાતાવરણમાં જુદી જુદી દરખાસ્તો સાથે અલગ અલગ પક્ષો-ઘટકો-સંગઠનો વચ્ચે મધ્યસ્થી કરવામાં લાગી ગયા છે. રોમેશ ભંડારી, સુધીન્દ્ર કુલકર્ણી, ગુરૂમૂર્તિ, વિજય ગોયલ, જ્યોર્જ ફર્નાન્ડીઝ, અરૂણ જેટલી, આર. વેંકટરામન, સૈયદ શાહબુદ્દીન, સંત રવિશંકર, મદનદાસ દેવી, પંડીત નરેન્દ્ર શર્મા, રાજીવ ત્યાગી, કિશોરીલાલ જયલલિતા ઉપરાંત કેટલાયે ‘મહારથીઓ’ અયોધ્યા પ્રશ્રને ઉકેલવા (?)માં લાગી ગયા છે. સુધીન્દ્ર કુલકર્ણી ભાગદોડ કરવામાં સૌથી આગળ છે. ભારત સરકાર, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તથા વિશ્વ હિંદુ પરિષદના કેટલાય લોકો અયોધ્યામાં દોડાદોડી કરી રહ્યાં છે. આવું પહેલા પણ બનતું હતું. રાજીવ ગાંધી, વી.પી. સિંહ, ચંદ્રશેખર અને પી.વી. નરસિંહરાવના રાજમાં પણ ઢગલાબંધ આવા જ મહારથીઓ દોડાદોડી કરતા પરંતુ આ વખતે સૌથી મટી ચિંતા એન.ડી.એ. સરકારને બચાવી લેવાની છે. જાણકાર લોકો ત્યાં સુધી કહે છે કે અટલજીને બચાવી લેવાની ચિંતા કરનારાઓમાં હિંદુઓના શંકરાચાર્યજી અને મુસ્લિમોના સૈયદ શાહબુદ્દીન બંને છે. બંને વચ્ચે સંવાદ પણ ચાલુ છે. ગુરૂમૂર્તિની ભૂમિકા વડાપ્રધાન અને સંઘના મદનદાસ દેવી વચ્ચે વાતચીત કરાવવાની મધ્યસ્થીની પણ રહી. આટલું થયા પછી પણ આગળની સરકારોએ જેટલો અને જેવો ઉકેલ કાઢેલો તેવું જ આ વખતે પણ બને તો….??

કેન્દ્ર સરકારના અસ્તિત્વની ચિંતા

ગૃહપ્રધાન લાલક્રિષ્ન અડવાણીએ સંઘના નેતાઓને ત્રણ મહિનાની મૂદ્દત આપવા માટે બહુ સમજાવ્યા, એમનું કહેવુ એ છે કે સંસદનું સત્ર ચાલુ છે. વિશ્વ હિંદુ પરિષદ કેમ સમજતી નથી કે 15મી માર્ચે કંઈપણ બનાવ બને તો વિપક્ષો સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી શકે છે. અને આવા સંજોગોમાં ચંદ્રાબાબુ નાયડુના તેલુગુદેશમપક્ષ જેવા સાથી પક્ષો સરકારને સાથે ન આપે તે નિર્વિવાદ છે. એટલે મે મહિનામાં જ્યારે સત્રની સમાપ્તિ થઈ જાય પછી વિહિપને જે કરવું હોય એ કરે.

વડાપ્રધાન અને ગૃહપ્રધાન બંનેનું અત્યારે ચોક્કસપણે માનવું એવું છે કે સરકાર બચાવવા માટે આ તબક્કે અયોધ્યા મુદ્દે સખ્ત વલણ દાખવવું જરૂરી છે. સખ્ત વલણ દાખવવાથી સરકાર વધારે મજબૂત બનશે. પક્ષના ‘મેનેજરો’ને ક્યાંય શંકા નથી કે કડક વલણ અખત્યાર કરવાથી ભાજપના સાંસદોમાં ફાટફૂટ પડશે. બધાંજ સરકાર ચાલુ રહે તેવું ઈચ્છે છે. ઉમા ભારતી જેવા મંત્રીમંડળના કોઈ એકલદોકલ સભ્ય અવિવાદીત સ્થળને ન્યાસને આપવાની તરફેણ કરે છે. પરંતુ તે મુદ્દે પોતાની ખુરશી છોડી દેવા સુધીની કોઈની માનસિક તૈયારી નથી. થોડાક અપવાદો બાદ કરતા વિહિપના નેતાઓ કે સાધુ સંતોની ધરપકડ થાય તો તેના વિરોધમાં રાજીનામાંઓ પડી જાય તેવો ઉન્માદ પણ ક્યાંય દ્રષ્ટિગોચર થતો નથી.

આ બધું સૂચવે છે કે ચિંતામાં સૌની પ્રાથમિકતા સરકારનું અસ્તિત્વ ટકાવવાની જ છે.

અદાલતની અવગણના અંગે સવાલો

બુકર એવોર્ડ પ્રાપ્ત લેખિકા અરૂંધતી રૉયને અદાલતના ચૂકાદા સામે વાંધાજનક ઉચ્ચારણો કરવા બદલ સુપ્રિમ કોર્ટે તેને ‘ટોકન સજા’ કર્યા બાદ અદાલતના અપમાન કે તિરસ્કાર અંગેની વ્યાખ્યા શી? તેની ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે.

અદાલતના અપમાનની વ્યાખ્યા 18મી સદીમાં બ્રિટનમાં કરવામાં આવેલી. 1738 અને 1771ની સાલમાં બ્રિટનમાં સંસદીય પત્રકારત્વમાં અપમાન બદલ કાયદાઓ ઘડવામાં આવેલા. ભારતમાં અદાલતનું અપમાન એ દિવાની ગુનો છે. 1971માં અદાલતના અપમાન સંબંધિત કાયદો બનાવાયેલો, જે મુજબ અદાલતના કોઈપણ નિર્ણયનો અમલ કરવામાં વિક્ષેપ ઉભો કરવો એ અપરાધીક ગુનો અને જાણી બુઝીને અદાલતના નિર્ણયનો અમલ ન કરો એ દિવાની ગુનો બને છે. આવા મામલાઓમાં છ માસની કેદ અથવા બે હજાર રૂપિયા દંડ યા તો બંનેની સજા થઈ શકે છે, પરંતુ કાયદાના નિષ્ણાંતો કહે છે કે અદાલતના અપમાન બાબતની વ્યાખ્યા કરવામાં અદાલતોને ખૂબ વિશાળ સત્તાઓ અપાયેલી છે અને સદભાવના જળવાઈ રહે તેવી પરિપ્રેક્ષ્યમાં અદાલત તેને વિચારી શકે છે.

એટોર્ની જનરલ સોલી સોરાબજીએ અદાલતના અપમાનના કિસ્સાઓ વધતા જતા હોઈ વર્તમાન કાયદાની પુનઃસમીક્ષા કરવાની વાત કરી છે, જ્યારે વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સભ્ય ફલી નરીમાને ન્યાયાધીશોને વકીલ તથા પ્રેસ વિરૂદ્ધ અપમાન સંબંધિત સત્તાઓનો પ્રયોગ ન કરવાની વિનંતી કરેલી છે.

Leave a reply

Scroll Up