Blog

લાલુ વીથ સ્પીકીંગ ‘પોપટ’….!!

લાલુ વીથ સ્પીકીંગ ‘પોપટ’….!!

લાલુ તો લાલુ છે. બેમિસાલ, સદાબહાર… ચાહે મહેલમાં હોય યા જેલમાં, લાલુને જોવા સાંભળવા તલસતા રહેતા હોય તેવા લોકોમાં રાજકીય કાર્યકર્તાઓ, અધિકારીઓ અને પત્રકારો સુદ્ધાં હોય છે. હમણાં અહિંયા દિલ્હીમાં બિહાર ભવનમાં એક બિહારીબાબુ બડા શોખથી લાલુજીની સ્તુતિ કરી રહ્યા હતા. એમણે માંડીને વાત કરી.

‘‘એક વખત લાલુ પ્રસાદ યાદવ કલકત્તાથી પોપટ લઈ આવ્યા. આ પોપટ માણસોની બોલી ફટાફટ શીખી જતો હતો. લાલુને ત્યાં તો અવારનવાર નેતાઓની જ અવરજવર રહેતી હતી એટલે પોપટ ભૂંડી ભૂંડી ગાળો બોલતા શીખી ગયો. પોપટને સુધારવા માટે કેટલાયે પ્રયત્નો કર્યા પણ પોપટ સુધર્યો નહિ. છેવટે લાલુએ એક પક્ષી નિષ્ણાંતને બોલાવ્યો. આ પક્ષી નિષ્ણાંતે પોતાની ફી પચાસ હજાર રૂપિયા કહી ને ઉમેર્યું કે બે મહિનામાં પોતે પોપટને સુધારી દેશે. પૈસાની તો કમી લાલુ પાસે તો ક્યાંથી હોય, તેમણે એડવાન્સમાં જ બધા પૈસા આપી દીધા.

સાંઈઠ દિવસ પછી પક્ષી નિષ્ણાત પોપટને લઈને પાછો આવ્યો ત્યારે તો ચમત્કાર થઈ ચૂક્યો હતો. લાલુને તેણે પોપટની એક ટાંગ ખેંચવા કહ્યું તો લાલુજીએ ખેંચી ત્યાં તો પોપટ મહામૃત્યુંજય સ્તોત્ર બોલવા માંડ્યો. પછી લાલુજીને બીજી ટાંગ ખેંચવા કહ્યું અને લાલુજીએ એ પ્રમાણે પોપટની બીજી ટાંગ ખેંચી તો પોપટ તો શુદ્ધ અરબી ભાષામાં કુરાને શરીફનો પાઠ કડકડાટ બોલવા લાગ્યો. લાલુ પ્રસાદ તો સ્તબ્ધ જ થઈ ગયા.

લાલુ  પ્રસાદે તો પેલા નિષ્ણાતને વધારાના દસહજાર રૂપિયા આપ્યા… બધેં ચર્ચા થઈ ગઈ. થોડા દિવસ પછી રબડી દેવીનાં પિયરમાંથી કોઈ આવ્યું અને પોપટની બંને ટાંગ એક સાથે ખેંચી અને પોપટ બધા ધાર્મિક પાઠો ભૂલીને ગાળો ભાંડવા માંડ્યો. ‘‘સાલા, કુતરા, બેઈમાન, તારી તો…??…’’ વિગેરે…વિગેરે….

બિહાર ભવનના બધા જ બિહારી બાબુઓ પોપટ સાથે તેમનાં નેતાને ગૌરવભેર યાદ કરીને ‘બીજાઓની’ બંને ટાંગ ખેંચતા હતા…!!

તિરંગો, જીંદાલ અને રાજકારણ

હવે ભારતમાં સૌ કોઈ તિરંગો ફરકાવી શકશે. દેશના ટોચના ઉદ્યોગપતિ જીંદાલ પરિવારના એક નવજુવાને તિરંગો ફરકાવવાના અધિકાર માટે કોર્ટમાં લડાઈ લડી અને કોર્ટના નિર્ણય બાદ સરકારે આવો નિર્ણય કરવો પડ્યો. સરકારે જેવો તિરંગો ફરકાવવાની અને રાખવાની છૂટ આપતો નિર્ણય કર્યો કે તરત જ જીંદાલ પરિવારના કેટલાંક ટોચના સભ્યો ભારત સરકારના મંત્રીઓને મળ્યા. અસરપરસ ધન્યવાદની આપ-લે થઈ. જીંદાલે કહ્યું કે તમે લોકોએ બહુ સારો નિર્ણય કર્યો. તો મંત્રીઓએ કહ્યું કે યશ તમને પણ મળવો જોઈએ…વિગેરે…વિગેરે…

આમ તો જીંદાલને ભાજપવાળા કોંગ્રેસનાં શુભેચ્છક વર્તુળમાં ગણે છે. હમણાંજ મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્યો વચ્ચે ગુજરાતના ખજૂરાહો કાંડ જેવું થયું ત્યારે ધારાસભ્યોને જીંદાલના ગેસ્ટહાઉસમાં સંતાડવામાં આવ્યા હતા. એટલે હમણાં જ ભાજપીઓના કેટલાંક નેતાઓએ અટલજી ને કહ્યું કે તમારે અજીત જોગીને મુલાકાત નહોતી આપવી જોઈતી… કારણ કે અજીત જોગી મધ્યપ્રદેશમાં ભાજપને તોડી રહ્યા છે. હવે જીંદાલને સાણસામાં લેવા એક તપાસ ચાલુ કરાઈ છે. એ એ છે કે માધવરાવ સિંઘીયા જે વિમાન અકસ્માતમાં માર્યા ગયા તે વિમાન જીંદાલનું હતું. કોંગ્રેસમાં ફાટફૂટ પડાવવા કંઈક તો કરવું જ પડે ને….?!

અનુરાધા ચૌધરીનો પ્રભાવ

આપણા પુરૂષપ્રધાન સમાજમાં ભલે સ્વીકારાય કે ન સ્વીકારાય, નારીશક્તિનો પ્રભાવ જબરદસ્ત છે જ. રાજકારણમાં આજ સુધીમાં કેટલીયે નારીઓએ અનેક ‘નર’ને નેતા બનાવી દેવામાં પોતાનો સિંહ ફાળો આપ્યો છે. ભૂતકાળની ઝાંસીની રાણી, ઈન્દિરા ગાંધી, કસ્તુરબા કે સરોજીની નાયડુને ભૂલી જઈએ તો પણ આજની સુષ્મા સ્વારાજ, ઉમા ભારતી, રબડી દેવી, જયલલિતા, મમતા બેનરજી, માયાવતી કંઈ જેવી તેવી નેતા નથી જ. આ એક મહિલા નેતા બીજા અનેક નેતાને કેટલી પ્રેરણા પૂરી પડે છે તે તો આપણા નેતાઓ જ કહી શકે.

ઉત્તરપ્રદેશમાં એક નવી જાટ નેતા ઉભરી રહી છે. તેનું નામ છે અનુરાધા ચૌધરી. આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન ચરણસિંહાના પુત્ર અને ભારત સરકારના મંત્રી અજીતસિંહની તે ખાસ સાથી એટલે કે પક્ષમાં નંબર – બેનું સ્થાન, ધરાવે છે. અનુરાધા ચૌધરીનો પ્રભાવ એટલો બધો છે કે મુઝફ્ફરનગરની મધરા બેઠક ખાલી કરવા માટે તેણે ભાજપને મજબૂર કર્યો. ભાજપને પોતાના વર્તમાન ધારાસભ્ય પ્રદિપ બાલિયાનની ટીકીટ કાપે અનુરાધા રૌહેલની ઉમેદવારી મંજુર કરવી પડી. પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં ભાજપ પાસેથી સમજૂતિ દરમિયાન બેઠકોની ફાળવણીમાં અનુરાધા ચૌધરીએ અજીતસિંહને ખાસ્સી મદદ કરી છે.

હાલ ઉત્તરપ્રદેશમાં ચર્ચા ચાલે છે કે અનુરાધા ચૌધરીના પ્રભાવથી અજીતસિંહ અંજાઈ ગયા છે કે ભાજપ?….!

સુષ્મા સ્વરાજ – ‘મોસ્ટ વોન્ટેડ’

ઉત્તરપ્રદેશની ચૂંટણીના કારણે મીડીયાની નજર આજકાલ ઉત્તરપ્રદેશ પર જરા વધારે પડતી છે એટલે ત્યાં રમાઈ  રહેલા દાવપેંચ પર પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરવા માટે મીડીયાને વધારે મસાલો ઉત્તરપ્રદેશ જ આપે છે. અત્યારે ઉત્તરપ્રદેશ તથા ઉત્તરાંચલની ચૂંટણી પહેલાના બધાં જ સર્વેક્ષણો એવું જણાવે છે કે ચૂંટણીનાં પરિણામોને પલટી નાંખવામાં આ વખતે મહિલાઓ જ મહત્વનો ભાગ ભજવશે. કારણ કે મહિલાઓ જ માંડ માંડ થયેલી રાજકીય પક્ષો વચ્ચેની સમજુતિને ઘડીના છઠ્ઠા ભાગમાં કકડભૂસ કરી શકે છે. મહિલાઓ જ કોઈને ન સમજાય તેવા રાજકીય સમીકરણોના ચમત્કારો સર્જી શકે તેમ છે.

કોંગ્રેસ પાસે સોનીયા અને પ્રિયંકા છે તો ભાજપ પાસે સુષ્મા અને ઉમા છે. કલ્યાણસિંહની કુસુમ અને અજીતસિંહની અનુરાદા ઉપરાંત કાંશીરામની માયાવતી તો છે જ સંઘ પ્રચારક માધુરી દેશપાંડે પણ સક્રિય છે. પરંતુ ભાજપની સત્તા ચાલે છે, ત્યાં અટલજી અને અડવાણી પછી સૌથી વધારે જો કોઈની ડીમાંડ હોય તો તે સુષ્મા સ્વરાજની છે…. ઈટ મીન્સ સુષ્માજી ઈઝ મોસ્ટ વોન્ટેડ….!

પદ્મશ્રી એવોર્ડની ‘પારિવારીક’ સમસ્યા….!

સરકાર પોતાની જ હોય તો ભાજપવાળા પદ્મશ્રી અને પદ્મવિભૂષણોની આશા તો રાખે જ ને? કારણ કે ભાજપની સતત ફરિયાદ રહી છે કે કોંગ્રેસ આ દેશને દીધું એના કરતા આ દેશે કોંગ્રેસને વધારે આપ્યું છે! પુરસ્કારની જે સમિતિ છે જેમાં જાવેદ અખ્તર જેવા બિનસાંપ્રદાયિક લોકો છે અડવાણીજીએ એવી સમિતિ બનાવી કે ભાજપ હેરાન થઈ ગયો. એવોર્ડ માટે નામો નક્કી થતા હતા ત્યારે હોટલ લોબીમાંથી પદ્મશ્રી માટે એક નામ આઈટીસી ગૃપના રહેમાનનું આવ્યું. બીજું લલિત સૂરીનું આવ્યું. અરૂણ જેટલીએ પણ સક્રિય રસ લીધો. બંને નામમાં એવી તો કંઈક ગૂંચ ઉભી થઈ ગઈ કે ફાઈલ અટલજી પાસે પહોંચી ગઈ. એટલે પહેલેથી જ ભાજપ સાથેના ‘સંબંધો’ માટે ગૌરવ અનુભવતાં સુધાંશુ ચિત્તલ અને શિવ જટીયા જેવા લોકોને ખ્યાલ આવી ગયો કે તેમના જેવા કેટલાયની કેવી દુર્દશા છે….?! પ્રમોદ મહાજન સહિત બંધાએ આ પરિસ્થિતિ પર પોતાનું દુઃખ અને ચિંતા વ્યક્ત કર્યા… છેવટે વડાપ્રધાને પદ્મશ્રીનાં નામ માટે ઉભરી ચૂકેલ બંને નામો હટાવી દઈને બધાંની ચિંતા અને દુઃખ દૂર કરી દીધા….!!

પોવેલ અડવાણીજીથી દૂર ભાગે છે?

આવા સમાચાર તો આશ્ચર્યજનક છતાં સુખદ તો ગણાય જ અમને સૌ પત્રકારોને વિષયમાં એક સાથે રસ પડ્યો. અમારી તપાસ ચાલુ થઈ ગઈ. પોવેલ નવી દિલ્હી આવ્યા ત્યારે ગૃહમંત્રી લાલક્રિષ્ન અડવાણીને મળ્યા જ નહિ. મુખ્ય સચિવ બ્રજેશ મિશ્રાથી લઈને વિરોધપક્ષનાં નેતા સોનીયા ગાંધી અને નટવરસિંહ જેવાઓને પણ આ પોવેલ સાહેબ મળ્યા, પણ અડવાણીજી સાથે મુલાકાત ન કરી. અલબત્ત તેઓ પાકિસ્તાનથી આવ્યા હતા. અને ત્યાં ચોક્કસ જ ભારતના ગૃહ મંત્રાલયે આપેલી આંતકવાદીઓની યાદીની ચર્ચા થઈ હશે. વળી, અમેરિકાની અડવાણીજીની યાત્રા પણ બહુ સફળ મનાવા લાગેલી એટલે દિલ્હીના વડાપ્રધાન કાર્યાલયને ચિંતાઓ ઉપજે તે સ્વાભાવિક છે….! છેવટે કદાચ વિચારાયું હશે કે રાષ્ટ્રના એક ગૃહમંત્રી હોવાના નાતે ગૃહમંત્રીએ ઘર આંગણાની બાબતો ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ નહિ કે વિદેશી મામલાઓમાં અથવા તો આંતરરાષ્ટ્રિય ઘટનાક્રમો ઉપર….! કદાચ એટલે જ તેમની પોવેલ સાથેની મુલાકાત નહોતી યોજાઈ…!?!

Leave a reply

Scroll Up