Blog

ભાષણ છોડીને ભાગ્યા ભડવીર

ગયા શનિવારે પોતાની જ પાર્ટીની રાષ્ટ્રીય શિબિરની બેઠકમાં વડાપ્રધાન ગુજરાલ ભાષણ આપી રહ્યા હતા કે આપણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ બરાબર લડત આપવી જોઈએ. નૈતિકતાનું ધોરણ ઊંચુ બનાવી રાખવું જોઈએ ગમે તેવા ઊંચા આસને બેઠેલી વ્યક્તિ હોય, પરંતુ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાઓ સામે કડક પગલાં લેતા સરકાર નહીં અચકાય… આવું બધું બોલતાં બોલતાં તેઓને ખ્યાલ ન રહ્યો કે બિહારની લાલુપ્રસાદને પોતે રક્ષણ આપી રહ્યા છે. રાષ્ટ્રીય જનતાદળનાં ત્રણ સભ્યોને પોતાનાં મંત્રીમંડળમાં ચાલુ રાખ્યા છે. જે પક્ષ સંયુક્ત મોરચામાં સામેલ નથી તેનાં સભ્યો સરકારમાં છે. તેથી સભામાં હાજર તેમનાં જ પક્ષના સભ્યોએ સ્પષ્ટતા માંગી અને ગુજરાલ સાહેબ ગુસ્સામાં આવીને ભાષણ છોડીને અધવચ્ચેથી જ ચાલ્યા ગયા.

ગુજરાલ વિચારે છે કે પોતે વડાપ્રધાન હોવાથી તેની અદબ નથી જળવાઈ, પરંતુ તે ભૂલી જાય છે કે તેઓ પોતાનાં પક્ષનાં સાથીઓ સામે જ બોલી રહ્યા હતા. જનતાદળનાં કેટલાંય નેતાઓ આજે વિચારે છે કે આખરે પોતાનાં વિચારોને ગુજરાલની સામે નહીં કહે તો કોને કહેશે? ગુજરાલ બહુ મુત્સદી જ હોત તો ભાગી જવાનાં બદલે તેમનાં સાથીઓને શાંત કરીને તેમની લાગણીઓ સમજવા કોશિશ કરત ડો. લોહિયા જેવા નેતાઓને પણ પક્ષનાં સંમેલનોમાં કેટલીય વખત મુશ્કેલીઓને સામનો કરવો પડતો, પરંતુ ડો લોહિયા જેવા વ્યક્તિત્વો એવા સમયે એકએક કાર્યકર્તાને સાંભળતા, સમજતા અને પોતાની ભૂલ સમજાય તો સુધારી લેતા. ડો. લોહિયાનાં વખાણ અનેકવાર ગુજરાલ કરતાં હોય છે તો તેમનો દાખલો શું તેમણે ન લેવો જોઈએ? આ રીતે સભા છોડીને ચાલ્યા જવું તે નેતૃત્ત્વની જવાબદારીમાંથી પીછેહઠ કરવા જેવી વાત છે. ગુજરાલના ગયા પછી રાષ્ટ્રીય જનતાદળના ત્રણ મંત્રીઓને પાણીચું આપવાનાં પ્રસ્તાવ ઉપર સભામાં જે રીતે તાળીઓ પડી હતી તે જો વડાપ્રધાને જોયું હોત તો તેમને કાર્યકર્તાઓની ના પારખવાનો મોકો મળત. અલબત્ત એ બાબત વડાપ્રધાનના વિશેષાધિકારમાં આવતી હોવાથી જનતાદળનાં પ્રમુખ શરદ યાદવે આવા ઠરાવને અધિકૃત સ્વરૂપ અપાવા દીધું ન હતું અને સાથીઓને મનાવી લીધા હતા. બીજા દિવસે તો જનતાદળનાં આ સંમેલનમાં ગુજરાલ સહિત કેટલાય નેતાઓ હાજર જ રહ્યા નહોતા. દેવગૌડા ખૂબ ઉત્સાહમાં દેખાતા હતા. આથી ગુજરાલની મશ્કરી ઠેરઠેર થવા લાગી છે. જનતાદળ તૂટી ગયો છે અને નામશેષ થઈ રહ્યો છે. ભલે દેવગૌડા એને ત્રણ માસમાં ચેતનવંતો બનાવી દેવાની વાતો કરે. હવે તો શરદ યાદવ પણ હવાલાકાંડમાં વધારે ફસાયા છે. તેમ છતાં જ્યાં સુધી ગુજરાલને લાગેવળગે છે. ત્યાં સુધી જનતાદળનાં નેતાઓ સૌથી વધારે તેમનાં આ ભારરૂપ નેતાથી શરમાતા થઈ ગયા છે.

લડાઈ

સરકારનાં બાવન લાખ કર્મચારીઓને ચોથા કરતાં પાંચમાં વેતન આયોગની ભલામણોનો અમલ માટે હમણાં ઠીકઠીક ગોટાળાઓ સર્જાઈ ગયા. એક તરફ કર્મચારીઓનાં આંદોલન અને પોતાની માંગણીઓ પ્રતિ જીદ્દી વલણનાં કારણે સચિવ શ્રી ટી.એસ.આર. સુબ્રમણ્યએ જાહેર કરી દીધું કે આ ભલામણો ઉપર અમલ નહીં થાય કારણ કે આ અમલનાં કારણે સરકારને રૂપિયા 13,500 કરોડનો વધારે બોજો પડવાનો હોવા છતાં કોઈ ખુશ નથી. આ જાહેરાતનાં પગલે બીજા દિવસે લોકસભામાં તેની ઘેરી અસર જોવા મળી. નાણામંત્રી પી. ચિદમ્બરમે સ્પષ્ટતા કરવી પડી (અથવા પોતાનો મૂળ વિચાર ફેરવી નાંખવો પડ્યો….) કે કેટલીક ટેક્નિકલ બાબતોને લીધે આ અમલ બેચાર દિવસ મે જ લંબાવાયો છે…! રાજ્યસભા અને લોકસભાએ સરકારનાં મંત્રીમંડળનાં નિર્ણય ઉપર ઊંડી ચંતા વ્યક્ત કરતા નાણામંત્રી વેતન આયોગની ભલામણો પર તુર્તજ અમલ કરાવવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

પરંતુ આ ભલામણોનાં અમલ સામે એક નવો વિવાદ શરૂ થયો છે. જેમાં આઈ.પી.એસ. અધિકારીઓ પોતાને અન્યાય થયાની લાગણી સાથે સંગઠિત થવા માંડ્યા છે. તેઓએ આ ભલામણોના અમલ સામે સુપ્રીમ કોર્ટમાં જવાની ધમકી પણ આપી દીધી છે. કેટલાય આઈ.પી.એસ. અધિકારીઓ આ અંગે કાયદાનાં વિશેષજ્ઞો સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે, આ તમામની લાગણી એવી છે કે આ નવી ભલામણોનાં અમલ પાછળ આઈ.એ.એસ. અધિકારીઓની લોબીનું મુખ્ય ભેજું કામ કરી રહ્યું છે અને આ લોબીનો મુખ્ય આશય આજે આઈ.પી.અસ. અધિકારીઓને કચડી નાંખવાનો છે. આ લાગણી પાછળનો એક તર્ક એવો છે કે યુપીએસસી મારફત આઈ.એ.એસ. અને આઈ.પી.એસ.ની ભરતી થતી હતી ત્યારે આઈપીએસને બે નંબર આપવામાં આવતા પરંતુ હવે પાંચમાં વેતન આયોગની ભલામણો તૈયાર કરતી વખતે આઈ.એ.એસ. લોબીએ આપીએસને નીચાજોણું કરાવવા માટે આઈએફએસ (ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ)નાં વેતન આઈપીએસ જેટલા જ રાખવાની ભલામણો કરી છે. જ્યારે જવાબદારી આઈપીએસની વધારે છે. વળી કેન્દ્ર સરકારમાં ત્રીજા નંબરની ગણાતી આવકવેરા ખાતાની હોવાનો આઈપીએસ સમકક્ષ બનાવવાની પેરવી ચાલી રહી છે. આ નવી તમામ ભલામણોમાં આઈ.એ.એસ. અધિકારીઓને લાભ જ લાભ આપવામાં આવ્યા છે જ્યારે આઈપીએસ અધિકારીઓએ પક્ષપાત જ કરવામાં આવ્યો છે. હવે કાનૂની લડાઈ લડવા માટે આઈપીએસ અધિકારીઓએ ખાનગીમાં નાણાં પણ એકઠા કરવા માંડ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં જવાની તેમની ધમકીને ગંભીરતાથી નહિ લેવામાં આવે તો અધિકારીઓ વચ્ચેની આ લડાઈ જાહેરમાં આવવા વકી છે.

રેઢિયાળ તંત્રનો નમૂનો

સંયુક્ત મોરચાની સરકાર એટલે આપણા મહારાષ્ટ્ર ભારતની કેન્દ્ર સરકાર વી રીતે ચાલે છે. તેનાં કેટલાંય ઉદાહરણો દેશનાં હિતચિંતક નાગરિક ધ્રુજાવી દે તેવા જોવા મળ્યા જ કરતાં રહે છે. તાજેતરમાં એક કિસ્સો જ બન્યો છે તે અંગે ઊંડું વિચારવા જેવું છે. ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં અલગના દરિયાકાંઠે દેશ-વિદેશથી અનેક સ્ટીમરો ત્યાંનાં શીપબ્રેકિંગ યાર્ડમાં તૂટવા માટે આવે છે.

આ માટે કોઈપણ દેશે ભારતમાં તેમના જહાજો મોકલતા પહેલાં કાયદાકીય પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. અમિરકાથી ગયા મહિને બે મોટા જહાજો અલંગના બંદરે આવી ચૂક્યા છે પરંતુ આશ્ચર્ય અને ગંભીર ચિંતાની બાબત એ છે કે સરકારનાં મંત્રાલયની જાણ બહાર…

આ વાત બહાર એ રીતે વી કે અમિરકાની સરકારે તેનાં કાયદા પ્રમાણે ભારત સરકારનાં પર્યાવરણ ખાતાને તેની “એપ્રુવલ” મોકલી આપવા જણાવ્યું હતું, પરંતુ સરકારે હજુ એપ્રુવલ આપી ન હતી, પરંતુ ગુજરાત મેરીટાઈમ બોર્ડ પરવાનગી આપી દેતા, બંને જહાજો અલગ સુધી આવી ગયા હતાં.

આ અંગે લોકસભામાં મૈત્રી સૈફુદ્દીન સોજે ભૂલ પણ કબૂલીને કહ્યું હતુ કે આ અમારા ખાતાઓ વચ્ચેની “કોમ્યુનિકેશન ગેપ” છે…! શું આ રીતે સરકાર ચાલે તો આર.ડી. એક્સ.નાં જથ્થા ભરેલી સ્ટીમરોને પણ દરિયાઈમાં ભારતમાં આવવામાં દુશ્મન દેશોને શું તકલીફ પડવાની હતી? વળી સ્વાતંત્ર્યનાં 50માં વર્ષની ઉજવણી આ રીતે જ કરવાની હોય તો દેશ ફરી ક્યારે ગુલામ નહીં બની જાય તેની કોઈ પાકી ખાતરી છે ખરી? આ ચર્ચા દરમિયાન પ્રમોદ મહાજનની સાથે ગુજરાતના કાશીરામ રાણા, દિલીપ સંઘાણી, શાંતિભાઈ પટેલ, હરિન પાઠક જેવા સાંસદોએ ખૂબ અસરકારક રજૂઆતો કરીને સરકારનાં રેઢિયાળ તંત્રનો ભાંડો ફોડી નાખ્યો હતો.

અમરેલીના સાંસદે મુખ્યમંત્રીને ઘેર્યા

1લી ઓગસ્ટે ગુજરાતનાં મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ દિલ્હીમાં બધા સાંસદોને રાજ્યનાં કેન્દ્ર સાથેનાં પડતર પ્રશ્નોની ચર્ચા કરવા બોલાવેલા થયું અવું કે મુખ્યમંત્રી વિચારતા હતા કંઈક જુદું અને થયું કંઈક જુદું જ. ગુજરાતનાં પીપાવાવ પાવર પ્રોજેક્ટ માટે જરૂરી ગેસની અછત, નર્મદા યોજના અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા દેવાયેલા નિર્ણયનાં સંદર્ભમાં રાય સરકારે શું કર્યું?

નેશનલ ટેક્સ્ટાઈલ કોર્પોરેશનનાં કર્મચારીઓનાં વેતન માટે સરકારનાં પગલાઓ, રાજ્યમાં અતિવૃષ્ટિનાં કારણે થયેલ જાનમાલનો નુકસાન અને લોકોને રાહત પહોંચાડવા માટે કેન્દ્ર પાસે માગવાની સહાય ઉપરાંત ગુજરાતમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની ચર્ચા દરમિયાન અમરેલીનાં સાંસદ દિલીપ સાંઘણીએ મુખ્યમંત્રીને ચર્ચામાં બરાબર ભીડાવ્યા હતા. વાઘેલા કોઈપણ પ્રશ્ને સંતોષકારક જવાબ ન આપી શકતા તેમણે હવાલો તેમનાં અધિકારીઓને સોંપ્યો હતો, પરંતુ અધિકારીઓ પણ મુદ્દાસર જવાબ વાળી ન શકતા અન્ય સાંસદોએ પણ ઘોર વિરોધ કર્યો હતો. દિલીપ સંઘાણી તથા ગાંધીનગરનાં સાંસદ વિજય પટેલે વાઘેલા સરકારની નિષ્ક્રિયતાનાં વિરોધમાં મુખ્યમંત્રી દ્વારા આયોજિત ભોજનનો બહિષ્કાર કર્યો હતો. ગુજરાત ભવનમાં માંસાહારી આહારની પણ વ્યવસ્થા કરવામાં આવી તે સામે સાંસદોએ વિરોધ નોંધાવ્યો હતો.

આ ઉપરાંત ગુજરાતમાં વરસાદથી થયેલા નુકસાન સામે કેન્દ્રીય સહાય મેળવવા એક પ્રતિનિધિમંડળ કૃષિપ્રધાન ચતુરાનન મિશ્રાને મળ્યું હતું. આશરે 600 કરોડની હાનિ સામે કૃષિમંત્રી પોતાની નિરીક્ષણ ટીમનો રિપોર્ટ આપ્યા બાદ રાજ્યને સહાય આપવાનાં છે પરંતુ તે સહાય 25-50 કરોડથી વધારે હશે, તેવું લાગતું નથી. સાંસદોના આ પ્રતિનિધિમંડળમાં માધવસિંહ સોલંકી, ઊર્મિલાબેન, કાશીરામ રાણા, ડો. અલઘ, દિલીપ સાંઘાણી, પી.એસ. ગઢવી, શાંતિભાઈ પટેલ સહિત અન્ય સાંસદો જોડાયા હતા.

Leave a reply

Scroll Up