Blog

ભાજપ અને તેના સહયોગી પક્ષોએ એકબીજાની ખોડ કાઢવાનાં બદલે દેશનું હિત હૈયે રાખી સરકાર ચલાવવી જોઈએ

પાછલાં બે સપ્તાહ દરમિયાન રાષ્ટ્રિય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)નો આંતરિક વિરોધ લગાતાર સપાટી પર બહાર આવ્યો હતો. આ વિરોધની ઉગ્રતા અને તેના સાથી પક્ષ જનતાદલ (યુ) નાં સભ્યો વચ્ચે છેક મારામારી સુધી આવી ગયેલી ગરમાગરમ ચર્ચાઓમાંથી પડઘાય છે. જોકે, આ વિવાદ પહેલાં પણ એનડીએની ગાડી સરળતથી ચલાતી હતી તેમ કહેવું ઉચિત ગણાશે નહીં. કેન્દ્રમાં સત્તારૂઢ થયા બાદ થયેલી તમામ વિધાનસભા ચૂંટણીઓમાં સાક્ષી પક્ષો સહિત ખુદ ભાજપને જે રીતે એક પછી એક પરાજયો મળ્યાં તેનાં લીધે  એનડીએનો આંતરિક વિરોધ ક્રમશઃ બળવત્તર બની ગયો છે. યુ.પી. વિધાનસભા ચૂંટણીનાં પરિણામોએ આ આંતરિક વિરોધની બહાર સપાટી પર આવી જવાની પ્રક્રિયાને વેગ આપ્યો છે તે નિઃશંક સાચી વાત છે. જોકે, આ આંતરિક વિરોધના બીજ તો આ શંભુમેળો સંગઠિત થયો ત્યારથી જ રોપાઈ ગયેલા. સત્તારૂઢ થયા બાદ એનડીએનો આંતરિક વિરોધ ઘણીવાર બહાર આવી ગયો છે. પરંતુ તેના બચાવમાં એનડીએનાં રખેવાળોએ એવાં તર્કયુક્ત જવાબો આપતાં કહ્યું છે કે અસહમતિ અને વિરોધ તો વિવિધ પક્ષોમાં પણ જોવા મળે છે. ત્યારે આ તો એક ‘ગઠબંધન’ છે. વિવિધ પ્રશ્ને આ ગઠબંધનમાં ઉદભવતી અસહમતિઓને તેઓ લોકતાંત્રિક પ્રક્રિયા માટે જરૂરી બાબત ગણાવે છે. તર્કની દ્રષ્ટિએ જોઈએ તો એ સાચું જ છે કે લોકસાઙીમાં કોઈપણ વ્યક્તિ, પક્ષ કે મોરચાને પોતાની અસહમતિ વ્યક્ત કરવાનો અધિકાર હોવો જોઈએ. પરંતુ એનડીએમાં ઉદભવતો આંતરિક વિરોધ ઘણીવાર આ અધિકાર અને તેની હદ ઓળંગી ગયો છે. તેથી આ બાબતને એનડીએનાં સંદર્ભે લાગુ પાડવાની વાત ગમે તે વ્યક્તિ માટે સંકોચકારી છે. અહીં મૂળ બાબત ફક્ત ‘અસહમતિ’ અંગેની નહીં પરંતુ બુનિયાદી આંતરિક મતભેદોની છે અને તે લગાતાર રીતે વય્ક્ત થતાં રહ્યાં છે. અહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો કોઈ ખાસ મુદ્દાઓ પર એનડીએનાં પ્રમુખ ઘટક પક્ષ ભાજપ અને તેનાં સહયોગી ઘટક પક્ષો તેમનાં મતભેદોને ઉગ્રતાથી વ્યક્ત કરતાં હોય તો તેને સામાન્ય મતભેદમાં ખપાવી શકાય નહી. આજે ફરિયાદ કરી રહ્યો છે કે ભાજપ તેની ‘મૂળ ઓળખ’ની કુરબાની આપી શકે એક એવાં પ્રયોગમાં ફસાઈ ગયો છે કે જેમાં તેની છાપ એક સમાધાનવાદી અને સત્તાલોલુપ પક્ષ જેવી પડી ગઈ છે. આ બધું તે તેની રાજનૈતિક વિશ્વસનીયતા અને તાકાતનાં ભોગે કરી રહ્યો છે. ભાજપના પિતૃ સંગઠન રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના વિશ્વ હિન્દુ પરિષદ જેવા ઘટક સંગઠનો તો ખુલ્લેઆમ એ આરોપ લગાવી રહ્યાં છે કે ભારતીય જનતા પાક્ષ એનડીએની ચુંગાલમાં ફસાઈ ગયો છે અને ‘સેક્યુલર એજેન્ડા’ ના ચક્કરમાં ‘હિન્દુ હિતો’ ની અવહેલના કરી રહ્યો છે.

બીજી બાજુ એનડીએનાં અન્ચ ઘટક પક્ષો પોતે છેતરાઈ હોવાનું જણાવી ભાજપ પર એવો આરોપ લગાવી રહ્યાં છે કે તે એનડીએનાં એજેન્ડાને એક કોર મૂકીને પોતાનો ‘ગુપ્ત એજેન્ડા’ લાગુ કરવા તત્પર બન્યો છે.

એનડીએનાં ગઠબંધન વખતે આ વિવિધ ઘટક પક્ષોએ એનડીએની એક લક્ષ્મણ રેખા બનાવી હતી અને ચૂંટણીઓ વખતે એક ‘એજેન્ડા ઑઉ ગવર્નન્સ’ પણ બનાવ્યો હતો એ સાચું છે. એનડીએનાં એજેન્ડામાં મંદિર નિર્માણ, કલમ 370 અને સમાન નાગરિક ધારાનાં ભાજપનાં વિવાદાસ્પદ મુદ્દાઓને સામેલ કરવામાં આવ્યા નહોતાં એ પણ સાચું છે. સહયોગી પક્ષો તેને ભાજપ ‘ઝૂકી ગયો’ હોવાનું માનતા હતા કારણ કે આ બાંધછોજ ભાજપે કરવી પડી હતી, ઘટક પક્ષોને નહીં (જો કે આમે’ય આ ઘટક પક્ષો પાસે બાંધછોડ કરવા માટે પડતાં મૂકવા પડે તેવાં પોતાના અલગ મુદ્દાઓ પણ હતાં કે નહીં તે અલગ સંશોધન વિષય છે!)

જો કે, આ બધી બાબતોની જેમ એ પણ એટલું જ સાચું છે કે એનડીએનાં પ્રમુખ ઘટક રાજકીય પક્ષ તરીકે ભાજપે તેનાં ઘોષણાપત્રમાંથી ભલે આ મુદ્દાઓને એક કોરાણે મૂક્યાં હોય પરંતુ આ વિવાદાસ્પદ મુદ્દાઓ તેણે પડતાં મૂક્યા તો નથી જ. એનડીએનાં ઘટક પક્ષો આ હકીકતને સુપેરે જાણે છે અને આ જ એ બિંદુ છે કે જ્યાં વિવિધ પ્રકારનાં દ્વંદ્વ અને વિરોધને છુપાવી શકાય તેમ હતા ને છુપાવાયાં પણ હતા !  ભાજપને સારી રીતે ખબર છે કે જે વિવિધ રાજકીય દળોને લઈને તેણે એનડીએ બનાવ્યું છે તેમની રાજનૈતિક પ્રતિબદ્ધતાઓ કઈ છે અને એ જ રીતે ભાજપ સિવાયના અન્ય સાથી ઘટક પક્ષો પણ એ સુપેરે જાણે છે કે ભાજપની પ્રતિબદ્ધતા અને વિચારધારા શું છે ! તો પછી એવો પ્રચાર કરવાની જરૂર શું હતી કે ઘટકપક્ષે ભાજપનાં નહોર કાઢી લીધાં છે કે પછી ભાજપે તેનાં સાથી પક્ષોને ઠંડા પાડી દીધાં છે ? છેલ્લાં ચાર વરસથી ભાજપ અને તેનાં સાથી પક્ષો વચ્ચે આ સંતાકૂકડીનો ખેલ ચાલી રહ્યો છે. અલબત્ત, ભાજપે કદી જાહેરમાં એમ નથી કહ્યું કે તેણે તેનાં સાથી પક્ષોને પોતાની અનુકૂળતા મુજબ ફેરવી દીધાં છે. પરંતુ તેનાં સાથી પક્ષો અત્યાર સુધી લગાતાર એમ કહી રહ્યાં હતાં કે તેમણે ભાજપને ‘બદલી’  નાંખ્યો છે. અને જ્યાં સુધી તેઓ એનડીએમાં છે ત્યાં સુધી ભાજપ એક પણ કાર્ય એવું નહી કે કે જેનાથી તેનાં સાથી પક્ષોને નારાજગી થાય. પણ હવે આ જ ઘટક પક્ષો હવે એ ફરિયાદ કરવા માંડ્યો છે કે ભાજપ તેમની સાથે વિશ્વાસઘાત કરી રહ્યો છે અને એનડીએ સરકારની સત્તા દ્વારા તે પોતાનાં પક્ષનાં એજેન્ડાને આગળ ધપાવી રહ્યો છે ! એનડીએનાં ઘટક પક્ષોને એવું લાગવા માંડ્યું છે કે ભાજપ ધીમે ધીમે સાંપ્રદાયિક એજેન્ડાની ચુંગાલમાં ફસાતો જઈ રહ્યો છે. જોકે, આ આખો વિવાદ એટલો સરળ નથી જેટલો તેને સરળ બતાવાઈ રહ્યો છે. દાવા-પ્રતિદાવા કરીને પોત-પોતાનાં પક્ષને મજબૂત કરવો એ એક અલગ વાત છે. ના તો ભાજપ કે તેના સહયોગી પક્ષો એટલાં સીધા-સાદાં છે કે આપણે તેમની નિર્દોષતા પર સહેલાઈથી ભરોસો મૂકી શકીએ ! ભાજપ તેનાં અન્ય સહયોગી પક્ષોની ચુંગાલમાં ફસાઈ ગયો છે એ કહેવું યોગ્ય નથી અને એ જ રીતે આ સહયોગી પક્ષો ભાજપની ચુંગાલમાં ફસાઈ ગયાં છે તેમ કહેવું પણ યોગ્ય નથી. હા, એટલું તો ચોક્કસ જણાય છે કે આ તમામ પક્ષોના સ્વાર્થી અને તકવાદી વલણની ચુંગાલમાં આ દેશ જરૂર ફસાતો જાય છે.

હકીકત તો એ છે કે સરકારમાં સામેલ હોવાં છતાં ભાજપ સહિત એનડીએનાં બાકીના તમામ સહયોગી પક્ષોને એવો અહેસાસ થવા માંડ્યો છે કે કેન્દ્રમાં પોતે સત્તાધારી હોવાં છતાં દેશના શાસન-પ્રશાધન અને દેશની જનતા પર તેમનો કોઈ સારો પ્રભાવ પડી રહ્યો નથી. ઉલ્ટાનું તેમની સરકાર બીનકાર્યક્ષમ હોવાનો નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે.

એનડીએ સરકાર ગતિશીલ અને પ્રભાવશાળી નથી તેવી છાપ લોકોમાં પડી રહી છે. કોઈપણ ક્ષેત્ર એવું જડતું નથી કે જ્યાં સરકારે કોઈ નોંધપાત્ર સિદ્ધિ મેળવી હોય. કેન્દ્ર સરકારની આ નિરર્થકતાનું પ્રતિબિંબ વિવિધ વિધાનસભાની ચૂંટણીઓમાં પડ્યું છે. એનડીએનાં તમામ પક્ષોને આ વાત સમજાઈ ગઈ છે છતાં તેઓ તેને જાહેરમાં માનવા તૈયાર નથી ! જો કે, આ અહેસાસ થવાનાં મુખ્ય કારણના લીધે જ એનડીએનાં ગઠબંધનમાં આંતરિક વિરોધો અને અસંતોષ વધુ તીવ્ર થઈ ગયાં છે. એનડીએનાં ઘટક પક્ષોને હવે એ ખબર પડી ગઈ છે કે તેમની વર્તમાન કામગીરી પર કલંક લાગ્યું છે તેથી કમ સે કમ ભવિષ્યને તો આ કલંકથી બચાવી જ લેવું જોઈએ. એનડીએનાં ઘટક પક્ષોનાં હાલના આંતરિક વિરોધોનું લક્ષ્ય પોત-પોતાની ભાવિ રાજનીતિને મજબૂત બનાવવાનું છે. તેમનાં આ આંતરિક વિરોધો પાછળ કોઈ વૈચારિક પ્રતિબદ્ધતા નથી. તેથી બૌદ્ધિક-વિચારશીલ લોકો અને વૈચારિક રાજનીતિને પસંદ કરતાં લોકોએ આ વાત પર બહુ ખુશ થવાની જરૂર નથી કે ભાજપ સહિત એનડીએનાં વિવિધ ઘટક પક્ષો અચાનક પોતપોતાનાં એજેન્ડા અંગે ખૂબ સજાગ બની ગયાં છે, જે તેમની પ્રતિબદ્ધતા અને વૈચારિક રાજનીતિનાં દર્શન કરાવી રહ્યાં છે. મૂળે તો આ બધું વ્યવહારુ રાજનીતિનાં કારણે આવેલો એક ઉભરો છે. જો એનડીએ સરકાર મજબૂત હોત, દેશનાં કારભાર પર તેનો નક્કર પ્રભાવ પડી રહ્યો હોત અને તેણે લોકોને યાદ રહી જાય તેવી કશીક સિદ્ધિઓ મેળવી હોત તો આજે ના તો ભાજપને રામમંદિરનો મુદ્દો યાદ આવત કે ના તેનાં ઘટક પક્ષોને બિનસાંપ્રદાયિકવાદની યાદ આવત ! આવી પરિસ્થિતિમાં જે લોકોને શરૂઆતમાં એવું લાગતું હતું કે અટલ બિહારી વાજપેયીને આગળ કરીને એનડીએનાં રાજનૈતિક પ્રયોગોનાં પ્રભાવ વડે ભાજપનું રૂપાંતર એક ઉદાર, મધ્યમાર્ગી અને આધુનિક મધ્યમવર્ગના પ્રિય પક્ષમાં રૂપમાં થઈ શકશે અને તે કોંગ્રેસનો વિકલ્પ બની જશે., તેવું માનતું લોકોએ નિરાશ થવું પડશે. એનડીએનાં આ પ્રયોગોથી ભાજપને કશો રાજકીય લાભ થયો નથી અને એટલે તે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનાં નામે પોતાની મધ્યયુગની વિરાસતમાં બને એટલી જલ્દીથી પાછો ફરવા ઉત્સુક બન્યો છે. જો કે એ અલગ વાત છે કે સાંસ્કૃતિક વારસાના નામે ભાજપ આજનાં ભારતનાં મખ્ય પ્રતિનિધિરૂપ રાજકીય પક્ષ તરીકે ભાગ્યે જ સફળ થઈ શકશે. કારણ કે આધુનિક દૌરમાં ફક્ત મધ્યયુગીન પ્રવૃત્તિઓનાં સહારે કોઈપણ પક્ષ આગળ આવી શકે તેમ નથી. સંઘ પરિવાર પાસે એ દ્રષ્ટિનો અભાવ છે કે જે પરંપરાને પ્રગતિ સાથે જોડીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનું એવું આધુનિક સમયમાં તાર્કિક અને ઉપયોગી સાબિત થઈ શકે. શું આજના યુગમાં ફક્ત ભૂતકાળની ભવ્ય પરંપરાઓમાં રાચતો અતીતજીવી પક્ષ સફળ થઈ શકે ખરો ? ભાજપ પાસે મંદિરનાં મુદ્દા પછી કે તે સિવાય બીજા ક્યા મુદ્દા છે ? મંદિર મુદ્દાને બાદ કરતાં ભાજપની ઝોળી સાવ ખાલી દેખાય છે. સંઘ પરિવારનાં બૌદ્ધિક વિચારકોએ જનજીવનને સ્પર્શતા બીજા પાસાઓ અંગે પણ કદી વિચાર્યું છે ખરું ? કોઈ સામાજીક-સાંસ્કૃતિક સંગઠન ભલે ટકી જાય પણ એક રાજકીય પક્ષ ક્યારેય આ રીતે ટકી ના શકે તે અંગે વિચારવાની કદી સંઘ પરિવારે તસ્દી લીધી છે ખરી ? એક રાજકીય પક્ષે હંમેશા બહુઆયામી જ રહેવું પડે. કેન્દ્રમાં સરકાર બનાવતી વખતે ભાજપે જે ઉત્સાહથી લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)નું નિર્માણ કર્યું હતું તેમજ તે નિર્માણ કરતી વખતે જે વ્યવહારુ સમજણ દાખવી હતી તે જોતા એક વખત તો એમ જ લાગવા માંડ્યું હતું કે તે (ભાજપ) તેની વિચારધારાને વિસ્તૃત કરવા ઈચ્છે છે. પરંતુ એક-બે ઠોકરો ખાધા બાદ તેણે ફરી પોતાની મધ્યયુગીન વિચારધારા તરફ પાછા ફરવાનાં સંકેતો આપતાં તેના ઉજ્જવળ ભાવિ પર પાણી ફરી વળ્યું છે. ‘મૂળ ઓળખ’ સાથે સંકળાયેલાં મુદ્દાઓને પડતાં મૂકવાથી વિધાનસભાની ચૂંટણીઓમાં નિષ્ફળતા મળી હોવાની વ્યાપક થયેલી ખોટી માન્યતાને ભાજપે સાચી માની લીધી છે અને તેનું મુખ્ય કારણ દેખાય છે. પરંતુ ભાજપને મળેલી નિષ્ફળતા મળવાનાં કારણો બીજા ઘણા હોઈ શકે છે. અલબત્ત, ભાજપ અને તેનાં સહયોગી પક્ષોને એ ખબર છે કે તેમનાં આ આંતરિક વાદ-વિવાદથી હાલની સરકાર ગબડી પડવાની નથી. કારણ કે ગમે તેટલી ખેંચમતાણી કરવામાં આવે, દેશની હાલની પરિસ્થિતિઓ એવી છે કે જેમાં તેમના સિવાય બીજો કશો વિકલ્પ જ રહ્યો નથી ! પરંતુ આ પરિસ્થિતિઓનો ગેરફાયદો ઉઠાવતા ભાજપ અને તેનાં સાથી પક્ષો પોત-પોતાનાં અમૂર્ત જનાધારને ટકાવી રાખવાની હોડમાં જેટલું જોર દેખાડશે તેટલું જ તેઓ લોકોની નજરમાં નીચાં થતાં જશે. તેથી તેમણે હાલની પરિસ્થિતિઓમાં વિવેકભાન જાળવવાની વધુ જરૂર છે.

Leave a reply

Scroll Up