Blog

ભાગવતની હકાલપટ્ટી અને ફર્નાન્ડિઝની સંતાકૂકડી

સપ્તાહ પૂરું થાય એટલે “દિનાંક દિલ્હી” લખવા બેસવું પડે. ગરમાગરમ સમાચારો હોય તો લખવાવાળાને ય મજા આવે અને વાંચવાવાળાઓને પણ રસ પડે. આ અઠવાડિયાની એવી કઈ મસ્ત ખબર હોઈ શકે? તેના વિચારોમાં કંઈ ખાસ સૂઝતું નહોતું ત્યાં જ એક પત્રકાર મિત્રનો ફોન મારા મોબાઇલ પર રણક્યો….

“કહાં હો? ફૌરન સાઉથ બ્લોક પર આ જાઓ… સરકારને નૌસેના અધ્યક્ષ વિષ્ણુ ભાગવત કી કીલ્લી ઊડા દી હૈ… ઉસકા જહાજ ડૂબ ગયા… જ્યોર્જ સે મિલને હમ લોગ જા રહે હૈં…” મને સૌ પ્રથમ તો “હાશ… સમાચાર મળ્યા”ની લાગણી થઈ પછી આઘાત લાગ્યો…! સદનસીબે બે એક અઠવાડિયા પહેલા ભારતીય નેવીને કેટલાક અધિકારીઓ સાથે દોસ્તી બંધાઈ હતી. સ્ટીયરીંગ ફેરવીને મેં ગાડી સાઉથ બ્લોક પર વાળી. કેન્દ્ર સરકારે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલી વાર અભૂતપૂર્વ પગલું ભરીને વિવાદાસ્પદ નૌકાદળના અધ્યક્ષ એડમિરલ વિષ્ણુ ભાગવતને તેમના પદ પરથી હટાવીને તેમના સ્થાને વાઈસ એડમીરલ સુશીલકુમારને તાત્કાલિક અસરથી નિયુક્ત કરી દીધા.

જ્યોર્જની સંતાકૂકડી

સામાન્ય રીતે “મીડિયા ફ્રેન્ડલી” ગણાતા સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ આજે “ભૂગર્ભ”માં જતા રહેલા. સાડા સાત વાગે સાંજે પત્રકારો તેમની ઓફિસ ઉપર પહોંચી ગયા તો બધાને પહેલા માળે લઈ જવાયા… સિક્યોરિટી ગાર્ડોને એક અધિકારીએ આવીને કહ્યું કે “મીડિયા મેનો વિશે ફોન નંબર 3012255 ઉપર ખબર આપો અને ત્યાંથી “હા” કહે તો તેમને પહેલે માળે મોકલી આપો.” પણ તે દરમિયાન જ્યોર્જ સાહેબને ત્યાંથી વ્યવસ્થિત રવાના કરી દેવાની વ્યવસ્થાઓ થઈ ચૂકી હતી. ત્રણ નંબરના દરવાજા સામે એક કાળી એમ્બેસેડર ગાડી બરાબર 7-52 વાગે આવીને ઊભી. એમાંથી બે ઓફિસરો ઉતરીને જ્યોર્જ પાસે જઈને કહી આવ્યા કે “અમે આવી ગયા છીએ”, ફર્નાન્ડિઝ પણ આ બંને સાથે જઈને “લોબી”માં રોકાઈ ગયા.. જ્યારે એક અધિકારીએ પોતાનો જમણો હાથ ઊંચો કર્યો ત્યારે નક્કી કર્યા મુજબ ફર્નાન્ડિઝ સમજી ગયા કે કોઈ પત્રકાર ત્યાં ઊભો નહોતો… એટલે તરત જ ઝડપથી પગલા ભરીને જ્યોર્જ ફર્નાન્ડિઝ ઊભેલી ગાડીમાં બેસીને “ફરાર” થઈ ગયા…!

આવું સફળ “ઓપરેશન” કરી દીધાથી અધિકારીઓ ખુશ હતા. તેમણે ઓફિસમાં પાછા ફરતા નક્કી કર્યું કે પત્રકારોને કહી દેવાનું કે સાહેબ તો પહેલેથી જ નીકળી ગયા હતા… એટલે બીજા અધિકારીએ કહ્યું કે “પણ એ લોકો ગાડી વિશે પૂછશે તો?” ત્યારે પેલાએ તૂર્ત જ કહ્યું “કહી દઈશું કે શું તેઓ બીજી ગાડીમાં ન જઈ શકે…?!!”

નીલોફરની ફટકાબાજી

આ નીલોફર એટલે વિષ્ણુ ભાગવતના ધર્મપત્ની. રાજાજી માર્ગ ઉપર આવેલા તેમના સરકારી નિવાસ ઉપર બધાએ પહોંચવું પડે એવું જ હતું.

સંરક્ષણ મંત્રાલયે થોડા દિવસો પહેલાં નૌકાદળના ઉપપ્રમુખ પદ માટે વાઈસ એડમીરલ હરિન્દરસિંહના નામની ભલામણ કેદ્રીય મંત્રીમંડળની “નિમણૂક સમિતિ” (એ.સી.સી.)ને મોકલી આપેલી. સમિતિએ એનો સ્વીકાર કરીને શ્રી સિંહની નિમણૂંક પર મંજૂરીની મહોર મારી દીધી. નિમણૂક માટે હરિન્દરસિંહની સાથે જ બીજા બે નામો વાઈસ એડમિરલ રમણપૂરી તથા મદનજીતસિંહના પણ હતા. નૌકાદળના પ્રમુખ વિષ્ણુ ભાગવતની ભલામણથી મદનજીસિંહ ઉપપ્રમુખ પદનો ભાર સંભાળી રહ્યા હતા. અને તેમની નિમણૂક પર મંજૂરીની મહોર માટે “એ.સી.સી.”ની સ્વીકૃતિની રાહ જોવાઈ રહી હતી. દરમિયાન “નિમણૂંક”ની આ બાબતે નાજુક વળાંક લઈ લીધો. આ મામલો 1998માં જ અદાલતમાં પહોંચી ગયો હતો. અંદામાન નિકોબારમાં નૌકાદળના વડા હરિન્દરસિંહે ભાગવતની ભલામણને અદાલતમાં પડકારેલી. કલકત્તા હાઈકોર્ટમાં તેમણે નૌકાદળના વડા સામે જેવા-તેવા આક્ષેપો પણ કરેલા. શ્રીમતી ભાગવતને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીની “કાર્ડ હોલ્ડર” પણ કહેલી… વગેરે વગેરે…

પત્રકારો અને કેમેરામેનોનું આખું ટોળું વિષ્ણુ ભાગવતના ઘરે પહોંચી ગયું. બધાને અંદર હોલમાં બેસવા જગ્યા પણ અપાઈ પણ કેમેરામેનોને અંદર આવવા ન દેવાયા… ભાગવત ચૂપ બેટા રહ્યા… તેમની બાજુમાં તેમની પત્ની નીલોફર હતા. તેમણે ધીમે રહીને જાણે “બેટિંગ” શરૂ કર્યું… શરૂમાં “આઘાત જનક… દુઃખદ બાબત… દુઃખદ બાબત… દુર્ભાગ્યપૂર્ણ મામલો…” પણ પછી તો જેમ જેમ વાત આગળ વધતી ગઈ એટલે “કિસ્સા કૂર્સી કા… સાંપ્રદાયિક રાજનીતિ… ભ્રષ્ટાચાર કી રાજનીતિ… કાનૂન કે ખીલાફ… અને જવાબ જનતા દેગી!” તેમની ફટકાબાજી પહોંચી ગઈ. નૌકાદળ વડાની ખામોશી તદ્દન સંમતિસૂચક હતી. થોડી વાર પછી તેઓ અંદરના રૂમમાં ચાલ્યા ગયા. બહાર વીડિયો કેમેરામેનોએ નીલોફરને બહાર આવવા સતત આગ્રહ કર્યો તો તેઓ અંદર જઈને પતિ સાથે વિચારવિમર્શ” કરવા લાગ્યા.

Leave a reply

Scroll Up