Blog

નવા ઉપરાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી?

જુલાઈ માસમાં નવા રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન જેવા હોદ્દો સંભાળે કે તુર્તજ તેમના સ્થાને નવા ઉપરાષ્ટ્રપતિ કોણ આવશે? તેની ચર્ચા હવે ચાલુ થઈ ગઈ છે. સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ અને યુનાઇટેડ ફ્રંટ જેનાં નામ ઉપર મહોર લગાવશે તે જ નવા ઉપરાષ્ટ્રપતિ બનશે.

આમ તો હજુ સુધી જે મુખ્ય નામો ચર્ચાઈ રહ્યા છે તેમાં રાજ્યસભાનાં નજમાં હેપતુલ્લા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી માર્ગારેટ આલ્વા સૌથી મોખરે છે અને કોંગ્રેસ અને મોરચાનાં સંભવિત ઉમેદવારો સામે ભારતીય જનતા પક્ષને પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુરજિતસિંઘ બરનાલા તથા અન્ય પક્ષોને કાશ્મીરના કરણસિંઘનાં નામ રજૂ કરવામાં રસ છે, પરંતુ સૌથી વધારે અગત્યની બાબત એ છે કે કોઈપણ એક નામ સ્પષ્ટ રીતે ઉપસી આવી શક્યું નથી. તેનાં અનેક કારણો છે. નઝમા હેપતુલ્લા મૌલાના અબુલ કલામ આઝાદનાં ખાનદાનના છે.

સ્વાભાવિક રીતે જ સતત ત્રણ મુદ્દતથી સફળતાપૂર્વક રાજ્યસભાના ઉપાધ્યક્ષ રહી ચૂકેલા આ બાનું ઉપરાષ્ટ્રપતિ પદ માટે પૂરી લાયકાત ધરાવે છે. પોતે પોતાનાં માટે લોબિંગ પણ કરતાં નથી. વળી લઘુમતી કોમનાં હોવા ઉપરાંત એક મહિલા છે. આ બધા કારણોથી તે સૌથી આગળ છે. છતાં તેમનાં માટે મોટી તકલીફ એ છે કે તેઓ શરદ પવારની નિકટ મનાય છે અને તેથી કોંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરી તેમના નામ માટે વધારે ઉત્સાહ દેખાડતા નથી.

બીજી બાજુ માર્ગારેટ આલ્વા પણ લઘુમતી કોમ (ક્રિશ્ચિયન)નાં મહિલા તો છે જ પરંતુ તેમની તકલીફ એ છે કે તેઓ પણ દક્ષિણના છે. આમ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનાં બંને દક્ષિણનાં ન હોવા જોઈએ તેવું પણ એક ગણિત તેમની વિરુદ્ધમાં જાય છે વળી નઝમા હેપતુલ્લાનાં નામનો પ્રચાર કરી રહેલા લાલુપ્રસાદ યાદવને સફળ ન થવા દેવા ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ જ માર્ગારેટ આલ્વાનું નામ વહેતુ કર્યું હોવાથી કેસરીને તેમનું નામ પણ મંજૂર રહે તેવું નથી.

અલબત્ત કેસરી સાથે આલ્વાનાં સંબંધો ઘણાં જ સારા છે. આમ કોંગ્રેસ પક્ષ તરફથી સૂચવનારા બે સંભવિત નામોમાં કશું જ નક્કી ન કરી શકાતા કોંગ્રેસે પ્રમુખ હવે નવું જ વિચારી રહ્યા છે.

સીતારામ કેસરીના તદ્દન અંગત વર્તુળોમાં થતી ચર્ચા મુજબ હવે કેસરીએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે તેમનાં ખાસ ખાસ વફાદાર અને કોંગ્રેસની વર્ષોથી સેવા કરનાર અનુભવી અને કુશળ રાજનીતિજ્ઞ પ્રણવ મુખર્જીનું નામ વિચારવા માંડ્યું છે.

સીતારામ કેસરીએ આ બાબતે પ્રણવ મુખર્જી સાથે તો ચર્ચા કરી જ લીધી છે, પરંતુ જીતેન્દ્રપ્રસાદ ઉપરાંત પોતાને વફાદાર એવા સિનિયર નેતાઓ સાથે ગુપ્ત સલાહ મસલત આરંભી દીધી છે.

પક્ષપ્રમુખ બન્યા ત્યારથી કેસરીને માટે તનતોડ મહેનત કરનારા પ્રણવબાબુને શિરપાંવ આપવાનો આનાથી સારો પ્રસંગે બીજો કયો હોઈ શકે જીતેન્દ્રપ્રસાદને પક્ષનાં ઉપપ્રમુખ બનાવ્યા બાદ એકમાત્ર પ્રણવ મુખર્જી જ આવા યોગ્ય બદલા માટે લાઈનમાં ઊભા હતાં.

પ્રણવ મુખર્જી ખાસ તો અર્થશાસ્ત્રનાં નિષ્ણાંત છે. બંગાળમાંથી આવતા પ્રણવબાબુ રાજકીય ક્ષેત્રે મહદ્અંશે બિન વિવાદાસ્પદ રહ્યા છે. તેમનો અનુભવ અને જ્ઞાન જોતા ઉપરાષ્ટ્રપતિ પદ માટે તેમની લાયકાત અંગે સંદેહ કરવાની ન હોય. શાલીન વ્યક્તિત્વ ધરાવતા મુખર્જી એથી જ છેલ્લા બે અઠવાડિયાથી કેસરીની સાથે ને સાથે જ રહે છે.

અંદરખાનેથી કેસરીચાચાએ નક્કી પણ કરી નાંખ્યું છે અને હવે ઔપચારિકતાઓ પૂરી થઈ જાય પછી વિધિવત્ રીતે કોંગ્રેસ પોતાનાં સંભવિત ઉમેદવાર તરીકે પ્રણવમૂખર્જીની પસંદગી કરી નાંખશે તો તેને પણ સંયુક્ત મોરચાએ અનુમોદન આપવાનું જ છે.

Leave a reply

Scroll Up