Blog

ચીમનભાઈના સ્વપ્નને સિદ્ધ કરીને જ જંપીશઃ ડૉ. ઉર્મિલાબેન પટેલ

આમ તો કોંગ્રેસ અને ભાજપને બંનેને લોકઆદર ધરાવતા વ્યક્તિઓની ખોટ છે જ. છતાંયે બંને રાજકીય પક્ષોમાં કેટલાંક ચોક્કસ ઉમેદવારો એવા છે જે લાંબી રાજકીય કારકિર્દી ધરાવતા હોવા છતાં પ્રજાના હૃદયમાં એક ઊંડી અને સ્વચ્છ છાપ ધરાવે છે. ડો. ઉર્મિલાબેન પટેલ આવું જ એક ઉજળું નામ છે. ચીમનભાઈના અવસાન બાદ પણ સતત સક્રિય રહીને ભારતીય રાજનીતિમાં પોતાની કુનૈહ, શૈક્ષણિક લાયકાત તથા જનકલ્યાણના મૂળભૂત સ્વભાવના કારણે તેઓએ જે ઊંચાઈ પ્રાપ્ત કરી તેના કારણે તેઓ ભારતભરમાં ખ્યાતિ મેળવી ચૂક્યા છે. સંસ્કારનગરી અને વિદ્યાનગરી તરીકે દેશ-વિદેશમાં નામના ધરાવતા વડોદરા શહેરને છાજે તેવા સુશિક્ષિત, સેવાભાવી અને કર્તવ્યનિષ્ઠ ડો. ઉર્મિલાબેન ચીમનભાઈ પટેલે વડોદરા લોકસભા મત વિસ્તારમાંથી કોંગ્રેસપથના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. ડો. ઊર્મિલાબેનનો જન્મ વડોદરામાં થયો. ન્યુઈરા હાઇસ્કૂલમાંથી શિક્ષણ મેળવી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી તેમણે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી તેઓએ ડોક્ટરેટની પદવી મેળવી. ડો. ઉર્મિલાબેનના રાજકીય અને સામાજિક જાહેર જીવનનું કેન્દ્ર વડોદરા જ રહ્યું. સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કોલેજ, અમદાવાદના અધ્યાપક અને ત્યારબાદ આચાર્ય તરીકે 33 વર્ષ તેમણે કામ કર્યું. તે દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના સેનેટ તથા સિન્ડીકેટના સભ્ય અને આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે ઉચ્ચ શિક્ષણના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો. આજે પણ ઉચ્ચશિક્ષણ આપતી વિવિધ સંસ્થાઓનું તેઓ સંચાલન કરી રહ્યા છે. સમાજ સેવા ક્ષેત્રે તેમનું આગવું પ્રદાન રહ્યું છે. વડોદરા અખિલ હિન્દુ મહિલા પરિષદ વડોદરા મહિલા સહકારી મંડળીથી તેમણે શરૂઆત કરી તેઓ આજે વિકાસ જ્યોત વડોદરા, ગુજરાત પર્યાવરણ સુરક્ષા ટ્રસ્ટ, ગુજરાત કેળવણી ટ્રસ્ટ, મંગલ પ્રભાત ટ્રસ્ટ, ગુજરાત વિમેન્સ એકશન ગ્રૂપ, ભારત એકતા આંદોલન, ગુજરાત મહિલા ક્રિકેટ એસોસિએશન વગેરે અનેક સંસ્થાઓના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, ઓલ ઈન્ડિયા વિમેન્સ ક્રિકેટ એસોસિએશન, વિકાસગૃહ, નર્મદા અભિયાન વગેરે સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા રહ્યાં છે.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિવિધ સંગઠનોમાં તેઓ સક્રિય કામગીરી બજાવે છે. ઈન્ટરનેશનલ ફોરમ ઓફ પાર્લામેન્ટેરીયન્સ ઓન પોપ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટના ઉપપ્રમુખ, ઈન્ટરનેશનલ ફોરમ ફોર પ્રિવેન્શન ઓફ ડ્રગ એબ્યુઝના જનરલ સેકરેટરી તેમજ ઈન્ટરનેશનલ ફોરમ ફોર કોમ્યુનિટી એજ્યુકેશનમાં વિશ્વસ્તરે પ્રદાન આપી રહ્યા છે. તાજેતરમાં જ હેગમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ડો. ઉર્મિલાબેને રજૂ કરેલ વિશ્વ અન્ન બેન્કના વિચારને એક્શન પ્લાનના ભાગરૂપે સ્વીકૃતિ આપવામાં આવી છે. વધુમાં બ્રાઝિલમાં રિઓમાં યોજાયેલ વિશ્વ પર્યાવરણ પરિષદમાં સરદાર સરોવર યોજના તરફ વિશ્વયુદ્ધ જાગૃત કરવામાં તેમણે અસરકારક કામગીરી બજાવી.
તેમની વિવિધ શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિની નોંધ લઈ ગુજરાત સ્ત્રી કેળવણી મંડળે 1997નો શ્રેષ્ઠતા એવોર્ડ ડો. ઉર્મિલાબેન પટેલને એનાયત કર્યો.

1993માં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા બાદ દેશના અને રાજ્યના વિવિધ પક્ષોને તેમણે સતત વાચા આપેલી છે. નર્મદા યોજના અંગે રજૂઆત હોય કે ગુજરાતનાં વિદ્યુત પ્રોજેક્ટોના પ્રશ્નો હોય, ભાવ વધારાની સમસ્યા હોય કે પૂર-વાવાઝોડા દરમિયાન રાહતની રજૂઆત હોય, સામાજિક પ્રશ્નો હોય કે ઉદ્યોગના પ્રશ્નો હોય કે પછી પ્રતાપનગર-છોટા ઉદેપુર, મિયાંગામ-કરજણ, કપડવંજ-મોડાસાની રેલવે લાઈનને લગતા પ્રશ્નો હોય, ડો.ઉર્મિલાબેન સતત પ્રશ્નોની અસરકારક અને ધારદાર રજૂઆતો કરતાં જ રહ્યાં છે. સંસદની વિવિધ સમિતિઓ, માનવ સંશાધન સમિતિ, શ્રમ અને કલ્યાણ સમિતિ, વાણિજ્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજીની સમિતિ, વોટર રિસોર્સ અને ઈરિગેશન સમિતિ, ફૂડ અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જેવી સમિતિઓમાં વિજખાદ્યવાળા રાજ્યોને વધુ વીજળી પૂરી પાડવી, તેહરી ડેમનું બાંધકામ ચાલુ કરાવવું, ગ્રામ્ય વીજળીકરણ અને કુટીર જ્યોત યોજનાને વેગ આપવો, સસ્તી વીજળી પૂરી પાડતાં હાઇડેલ પાવર પ્રોજેક્ટોને વધુ ઝડપી બનાવવા, ગુજરાતમાં એન.ટી.પી.સી.ના ક્વાસ પ્રોજેક્ટના વિસ્તરણને મંજૂરી, પીપાવાવ, ડ્યુઅલ સિસ્ટમ પ્રોજેક્ટને માન્યતા, ભાવનગર અને કચ્છના લિગ્નાઇટ આધારિત પ્રોજેક્ટને પ્રાથમિક મંજૂરી, ગાંધાર અને રિલાયન્સ પાવર પ્રોજેક્ટોને માન્યતા, જેવા અનેક કામોને ટૂંકાગાળામાં પણ સફળતાપૂર્વક પાર પાડી એક કાર્યદક્ષ મંત્રી તરીકે નામના સંપન્ન કરી.

પરંતુ ગુજરાત અને ખાસ કરીને વડોદરાને જેનું ગૌરવ છે તે ફેરકૂવા સત્યાગ્રહના લોકસત્યાગ્રહી તરીકે તેમની કામગીરી પ્રશંસનીય રહી છે. બાબા આમટે અને મેઘા પાટકર સરદાર સરોવર બંધ તોડવાની મેલીમુરાદ સાથે ગુજરાતની સરહદ પર વિશાળ રેલી લઈ આવ્યા ત્યારે ગુજરાતની જનતાએ માનવસાંકળ રચી ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ દ્વારા તેમને રોક્યા. ડો. ઉર્મિલાબેને 33 દિવસ સુધી સતત રાત દિવસ ભોરદા નદીના પૂલ પર રહી લોક સત્યાગ્રહના સંચાલનમાં મહત્ત્વની કામગીરી બજાવી હતી. છેવટે બાબા આમટે અને મેઘા પાટકરને હાર કબૂલી આંદોલન સંમેટવું પડ્યું. આજે પણ નર્મદા યોજના સાથે તેમનું તેટલું જ તાદમ્ય છે.

આવા આંદોલનકાર સમાજસેવિકા અને શિક્ષણશાસ્ત્રી જેવી બહુમુખી પ્રતિભા, ધરાવનાર ડો. ઉર્મિલાબેન પટેલ અત્યંત સાદા, સરળ અને નમ્ર છે. તેમનાં સંપર્કમાં આવનાર સૌને પોતાની સરળતા અને કાર્યદક્ષતા પ્રભાવિત કરે છે. નિષ્ઠાવાન કોંગ્રસી તરીકે તેમણે લોકચાહના પ્રાપ્ત કરી છે.

ડો. ઉર્મિલાબેનની વિશિષ્ટતા એ છે કે પોતે રાજકીય ક્ષેત્રમાં હોવા છતાં પોતે કરેલા કાર્યોનો ક્યાંય પ્રચાર કરતાં નથી. દુનિયાભરમાં દોડાદોડી કરીને કેટલીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સોમાં તેમણે ભાગ લીધો છે અને વ્યાખ્યાનો પણ આપ્યા છે, ત્યારે નાનામાં નાના ગામડાઓને પગપાળાં ખૂંદીને ગરીબ લોકોની ઝૂંપડીઓમાં જઈને તેમની સાથે આત્મીયતાપૂર્વક કેટલીક પળો પણ સાથે વિતાવી છે.

વડોદરાની જનતાને આ વખતે પોતાના ગૌરવ સમાન ઉમેદવારને સંસદમાં મોકલી આપવાની એક ચોક્કસ તક મળી હોવાથી વડોદરાની પ્રજામાં પણ એક પ્રકારની નવી જ ચેતનાનો સંચાર થયો છે.
વડોદરા શહેરના બૌદ્ધિકો, શિક્ષણક્ષેત્રના માંધાતાઓ, અને મધ્યવર્ગના લોકોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો, કર્મચારીઓ, સહિત દરેક વર્ગના લોકોએ ઉર્મિલાબેનનું નામ બહાર આવતાં જ પોતપોતાનું સમર્થન વ્યક્ત કરવા માંડ્યું છે.

જ્યારે ઉર્મિલાબેને વડોદરા શહેર અને તેમનાં સમસ્ત સંસદીય મતવિસ્તારનો ખૂબ ઝીણવટભર્યો અભ્યાસ શરૂ કરી દીધો છે. ઉર્મિલાબેન વડોદરા સાથે વર્ષોથી સંકળાયેલા હોઈ શહેરની નાની મોટી સમસ્યાઓથી પરિચિત છે, તેમ છતાં તેમણે આ વખતે વડોદરાની કાયાપલટ કરી નાખવા અને શહેરના ગૌરવને અનુરૂપ કાયાકલ્પમાં ક્યાંય કચાશ ન રહે તે પ્રમાણે ઊંડો વિચાર કરીને ખૂબ જ પ્રશંસાપાત્ર પ્રયત્નો હાથ ધર્યા છે.

આજ સુધીમાં વડોદરાનાં પ્રતિનિધિઓને પુછવામાં આવતું કે તમારા મતવિસ્તારની સમસ્યાઓ શી છે? તેનો જવાબ મોટાભાગે એવો જ મળતો કે વડોદરામાં કાંઈ દુઃખ નથી. બધા આનંદ સુખથી જીવન જીવે છે. નવરાત્રિમાં ઝૂમે છે અને ખાઈ પી ને લીલા લહેર કરે છે. અલબત સુખ, સુખ અને માત્ર સુખ જ આ શહેરને પ્રાપ્ત છે. જ્યારે ડો. ઉર્મિલાબેને આખા વિસ્તારનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. તેમની સાથે તજજ્ઞોની ટીમ રાખી નાનામાં નાની સમસ્યાને પણ પોતાની નોંધ બનાવી અને પ્રજાનાં કોઈ પણ પ્રશ્નને ન રહેવા દેવો હોય તો શી વ્યવસ્થાઓ થવી જોઈએ તેના સુચનો પણ નિષ્ણાંતો પાસે મંગાવ્યા. વહિવટતંત્રની આંટીઘૂંટી તો ઉર્મિલાબેન વર્ષોથી જાણે છે. એટલે પ્રજાની પીડા કઈ રીતે દુર થશે અને તે દિશામાં કેવાં પગલાં લઈ શકાય તેની આખી બ્લ્યુપ્રીન્ટ તૈયાર કરી નાંખી છે.

તેમણે વડોદરા શહેરમાં ખૂણે ખૂણે ક્યાં ક્યાં તકલીફો છે તેની જે યાદી તૈયાર કરી છે તે પણ ખાસ કરીને વડોદરાનાં રહેવાસીઓએ અચૂક જાણવા જેવી છે. વડોદરા શહેરના કુલ મુખ્ય વિસ્તારો કંઈક આ મુજબ છે.

સયાજી ગંજ (2) ઈલોરા પાર્ક (3) માંજલપુર (4) ગોત્રી (5) ફતેહગંજ (6) વાડી (7) સમા (8) આજવા વાઘોડિયા (9) મકરપરા (10) માંડવી લહેરીપુરા (11) ગોરવા (12) અલકાપુરી (13) સુભાનપુરા (14) અમદાવાદી પોળ-રાવપુરા (15) પ્રતાપનગર (16) દાંડિયા બજાર (17) નિઝામપુરા (18) વરસિયા (19) તાંદળજા (20) શાબાગ (21) કરેલીબાગ (22) માનેજા (23) કિશનવાડી (24) તરસાળી (25) વાસણા (26) હરણી (27) નવાયાર્ડ (28) પાણીગેટ (290) જાંબુજા (30) અટલાદરા (31) દિવાળીપુરા (32) લક્ષ્મીપુરા (33) પ્રતાપગંજ.

આ વિસ્તારોની વિગતવાર પણ સંક્ષિપ્તમાં સમસ્યાઓ આ રીતે ગણાઈ શકાય.

સયાજીગંજ-વડોદરા

સયાજીગંજમાં આયોજનનગરની પ્રગતિનો ઉત્તમ નમૂનો છે. અહીં જુનાવણી કાયદાઓ મુજબ બાંધવામાં આવેલા કોમ્પ્લેક્સીસ છે જેને કોમર્શિયલ સમસ્યાઓ પુષ્કળ છે.
અહીં રસ્તાઓ મોટા થઈ શક્યા નથી. શહેરની ગંદકી અને ટ્રાફિક્ની અરાજકતા સત્તાધીશોની બેદરકારીને કારણે વધતા જતા નાના-મોટા ગુનાઓ, ખાણી-પીણીના નાના ખુમચાઓથી માંડીને મોટી હાટડીઓના સ્થળો જ્યાં અસંખ્ય લોકોએ સ્થળો બનાવી દીધા છે. તે ઉપરાંત રખડતા ઠોર મોટી સમસ્યા બની ગઈ છે. પાર્કિંગના અભાવે જનતાને અનેક મુશ્કેલીઓ પડે છે. વિસ્તાર વધતો જાય છે અને જગ્યા નથી.

સમસ્યાઓઃ

પાણી, કચેરી, કાયદો અને વ્યવસ્થા, ગીચતા અને ટ્રાફિક કંટ્રોલ તેમજ પાર્કિગનો અભાવ, ચોરી, બિનકાયદાકીય દબાણ, વરસાદ દરમિયાન પાણીનો ભરાવો, સયાજીગંજની કાયમી સમસ્યાઓ બની ગઈ છે.

ઈલોરા પાર્ક

એક જમાનાની આદર્શ કો.ઓ.સોસાયટી આજે વધતી વસતિને કારણે અને આયોજનનાં અભાવે વિશાળ થતી ગઈ તો પણ અનેક જાતની સમસ્યાઓથી હેરાન થાય છે.

40 વર્ષથી વડોદરાની વસ્તી 3 જ લાખની હતી તે 18 લાખની થઈ છતાં સગવડો એની એ જ છે મ્યુનિસિપલ કોર્પોરેશનનું માળખું જેમાં રસ્તા-પાણી પુરવઠો, સ્વાસ્થ્ય, નિયંત્રણ કેળવણી, પર્યાવરણનું રક્ષણ અને ગટર વ્યવસ્થા એ બધુ આજે ઈલોરા પાર્કમાં ભાંગી પડ્યું છે.

ગીચ રસ્તાઓનાં પરિણામે થતી ટ્રાફિકની સમસ્યાઓ ઘણી ગંભીર છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઈલોરા પાર્કની દુકાનો જ ગેરકાયદેસર બાંધકામ ગણી તોડવા માટે આવે જ્યારે પોલીસ ચોકી સાઈબાબાનું મંદિર અને વડોદરા ડેરી ગેરકાયદેસર બાંધેલ હોવા છતાં કશું કરતાં નથી.

આટલા મોટા ઈલોરા પાર્કમાં એક પણ પાર્ક નથી તે નવાઈ પમાડે તેવું છે.

માંજલપુર

એક જમાનાનું ગામડું જે ઓએનજીસીને કારણે શહેરનો એક ભાગ બની ગયો છે.

બેન્કો-સ્કૂલો બંગલાઓ હોવા છતાં આજે માંજલપુર ગંદકીભર્યું નાનું પરું છે. આયોજન વગરનો વિકાસ થયો છે. ઓછો વરસાદ પડે તો પણ રસ્તાઓ પાણીથી ભરાઈ જાય છે. ડ્રેનેજ સિસ્ટમ ભંગાર હાલતમાં છે. પાણીનો પુરવઠો ખૂબ જ અનિયમિત છે. અનિયમિત આવતી બસો, સાંકડા રસ્તા અને ખાબોચિયાઓને લીધે ટ્રાફિકની સમસ્યાઓ વધી ગઈ છે.

સૌથી મોટી સમસ્યા ત્યાંની ખામી ભરેલી ગટર વ્યવસ્થા છે. એક જમાનાનું સુંદર તળાવ આજે કચરો ઠાલવવાનું સ્થળ બની ગયું છે.
બકરીઓ કાગડાઓને માટે ઘર બની ગયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન આ દિશામાં કાંઈ કરશે?

ગોત્રી

મુખ્ય સમસ્યા

ખરાબ રસ્તાઓ, પરિણામે અસંખ્ય અકસ્માતો. વધી ગયેલી કો.ઓ. સોસાયટીનાં પરિણામે રસ્તાઓ ઉપર વધી ગયેલા લારી-ગલ્લાઓ વધુ સમસ્યા ઊભી કરે છે.

ખરાબ રસ્તા ગોત્રીની મુખ્ય સમસ્યા ઉપરાંત પોલીસનો અભાવ-હોસ્પિટલનો અભાવ અને ચોખ્ખા પાણીનો પુરવઠો આ મુખ્ય સમસ્યાઓ છે છતાં એકે એક નાગરિક રસ્તાઓની જ ફરિયાદ કરે છે.

ફતેહગંજ

આજના ફતેહગંજની વ્યવસ્થા અને 15 વર્ષ પહેલાંની વ્યવસ્થામાં કોઈ ફરક નથી.

બાંધકામ કર્મશિયલ અને રહેઠાણ ખૂબ જ વધી જવાને કારણે વ્યવસ્થા થઈ શકતી જ નથી.

15 વર્ષ પહેલાંનો પાણી પુરવઠો હતો તે નો તે જ છે.

મ્યુનિ.ના સફાઈકામદારો મુખ્ય રસ્તા જ સાફ કરે છે. ગલીઓ સાફ જ નથી કરતા. નો પાર્કિંગમાં સૌથી વધુ પાર્કિંગ થાય છે. હાથલારીઓના પાર્કિંગને કારણે બીજા વાહનોને મુશ્કેલી, પોલીસનું બેધ્યાનપણું, ગીચ ચાર રસ્તાઓ ઉડુપી ચાર રસ્તા સૌથી વધારે ગીચ કચરાના ઢગલાઓ, સૌથી વધારે અરવિંદ ઉદ્યાનમાં રેલવે સ્ટેશન એરિયા તરફ કશું જ ધ્યાન અપાતું-ટ્રાફિક નિયંત્રણ છે જ નહીં.

ઉડુપી ચાર રસ્તા ઉપર ટ્રાફિક નિયંત્રણ ન હોવાથી સૌથી વધારે અકસ્માતો થાય છે.

વાડી

વડોદરાના વાડી-ગોત્રીમાં જેમ રસ્તા મુખ્ય સમસ્યા છે એમ વાડીમાં ગટરનો ભરાવો, ગટરનું અને પીવાના પાણીની પાઈપો ભેગી થઈ જવાથી પીવા માટે ગંદુ પાણી મળે છે. ડ્રેનેજનો ભરાવાને કારણે અસહ્ય દુર્ગંધ પેદા થાય છે તે મુખ્ય સમસ્યા. ચોખ્ખું પાણી મળવું સ્વપ્ન એ બની ગયું છે, જેને કારણે રોગચાળો-ગંદકી-મચ્છરોના ઉપદ્રવ મુખ્ય સમસ્યા એસ.ટી. બસના હોર્નના અવાજને કારણે રાતની ઉંઘ હરામ થઈ ગઈ છે. ઉપરાંત દારૂ છૂટથી મળે છે. જેને કારણે ગુંડાતત્ત્વની બીકે રાત્રે બહાર નીકળવું અશક્ય છે.

સમા
ગંદકીનો ભરાવો. 300 કામદારોના પૈસા ઉઘરાવવા છતાં સફાઈનો અભાવ. પોસ્ટ ઓફિસ જ નથી. બસ સર્વિસના અભાવે રીક્ષાવાળાઓ ઓવરલોડ કરીને પેસેન્જરોને લઈ જાય છે. રાષ્ટ્રીયકૃત બેંક જ નથી. ગંદકી ગમે તેમ ફેલાયેલી છે. જૂના માળખામાં નવું માળખું ઊભું કરવાને કારણે અસંખ્ય તકલીફો. પાણીનો પુરવઠો અને ઓછું દબાણ વડોદરાની કાયમી મુશ્કેલી, રખડતાં ઢોરની સમસ્યા મુખ્ય છે, જેને કારણે અકસ્માતો પુષ્કળ થાય.

આજવા વાઘોડિયા

મધ્યમવર્ગીય વસતી નીચે આવેલા આ વિસ્તારમાં કોમી રમખાણો નિયમિત થતા આવ્યા છે જેને કારણે વિકાસ થતો નથી. મુખ્ય સમસ્યા ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો. 350 નાના-નાના ઔદ્યોગિક એકમો પ્રદૂષણમાં વધારો કરે છે. પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીય અધિકૃત બેંક નથી. વીજળીકાપ વારંવાર થવાથી મુખ્ય સમસ્યા ઊભી થાય છે.

મકરપુરા

50,000ની વસતી ધરાવતી આ વિસ્તારમાં મોટે ભાગે ઔદ્યોગિક વસાહત આવેલી છે. 10 વર્ષથી રસ્તાનું સમારકામ થયું જ નથી. રજૂઆતો જ સંભળાતી નથી.

ભવન્સ અને ડોન બોસ્કો સ્કૂલ વચ્ચેનું ડિવાઈડર કાઢી નાખવાને કારણે પુષ્કળ અકસ્માતો સર્જાય છે. કચરાના ઢગલાઓ રસ્તા પર ઠેરઠેર જોવા મળે છે. મકરપુરા રોડ આદર્શ રોડ તરીકે બનાવવાની શરૂઆત છેલ્લા છ મહિનાથી કરી છે. માત્ર ખોદાણ કામ જ થયું છે જેને કારણે વરસાદમાં ખૂબ જ મુશ્કેલીઓ પડે છે.

પાણીનો પુરવઠો અહીંની કાયમી ગંભીર સમસ્યા છે. ફક્ત 1-30 કલાક જ પાણી મળે છે.

મુખ્ય માગણીઓઃ સારા રસ્તાઓની, પાણીના ઝડપી નિકાલ માટે ચોમાસામાં સગવડ કરવી, ઔદ્યોગિક એકમોમાંથી પેદા થતા પ્રદૂષણોનો નિકાલ કરવાની, ટ્રાફિક સમસ્યાઓ ઉકેલ.

માંડવી-લહેરીપુરા

વડોદરાનું શોપર્સ પેરેડાઈઝ ગણાતા આ વિસ્તારમાં વાસણ બજાર, ઝવેરી, આંગડિયા, કાપડ બજાર, તૈયાર વસ્ત્રોની બજાર, હોસ્પિટલ આ વિસ્તારમાં આવેલી છે, પરંતુ સગવડો જ બધી અગવડ બની ગઈ છે. પરિણામે ફૂટપાથો ઉપર દબાણ વધી ગયા છે. ફૂટપાથ જેવું કાંઈ રહ્યું જ નથી અને રાહદારીઓને રોડ ઉપર ચાલવું પડે છે જેથી ટ્રાફિકની સમસ્યા મોટી છે. દબાણ માટે પોલીસ દંડ કરે છે, પરંતુ કોઈ ગંભીર અને કાયમી નિરાકરણ માટે પગલાં લેતી નથી. જાહેર મુતરડીનો અભાવ છે. એક હતી તે પણ કોર્પોરેશને તોડી નાખ્યા પછી ફરીથી બાંધી નથી. અસામાજિક તત્વોનો ત્રાસ પણ ખૂબ વધી ગયો છે.

ગોરવા

મ્યુ. કોર્પો. દ્વારા ગેરકાયદેસર બાંધકામને તોડવાને કારણે ગોરવા જાણીતું થઈ ગયું છે. મુખ્ય સમસ્યા કચરાના નિકાલ અંગેની છે. સફાઈ કામદારો કામ કરતા નથી. તોડેલા બાંધકામનો કાટમાળ નહીં ખસેડવાને કારણે પારાવાર મુશ્કેલીઓ સર્જાય છે. પાણી પુરવઠાની પણ સમસ્યા છે. બેંક અને પોસ્ટ ઓફિસનો અભાવ છે. સ્મશાનગૃહમાં તાત્કાલિક સુધારો કરવાની જરૂર છે.

અલકાપુરી

વ્યાપાર અને રહેઠાણનું કેન્દ્ર હોવાને કારણે વાહનોની અવરજવર ખૂબ જ વધી ગઈ છે. પરિણામે ખૂબ ટ્રાફિક – ટ્રાફિકની સમસ્યા અને પાર્કિંગનો પ્રોબ્લેમ.

પાણીનું નીચું દબાણ – નીચાણવાળા ભાગને કારણે વરસાદમાં પાણીનો ભરાવો થાય છે. રસ્તાના સમારકામોનો અભાવ જોવા મળે છે. આ બધી ગંભીર સમસ્યાઓ છે. અવાજ અને હવામાનનું પ્રદૂષણ પણ એક સમસ્યા છે. મોટરકારના પીયુસી ચેક કરે છે પણ એસ.ટી.વાળાનું આવું કોઈ ચેકિંગ થતું નથી.

સુભાનપુરા

મુખ્ય સમસ્યાઃ પાણી-પુરવઠો નથી અથવા દબાણ ઓછું છે. સ્વચ્છતા થતી જ નથી કેમ કે સફાઈ કામદારો આવતા જ નથી. ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો એટલો બધો છે કે સુભાનપુરા એક ટાપુ બની જાય છે પરિણામે જાત જાતની બીમારીઓ થાય છે.

એલેમ્બિકથી ગોલ્ડન સિલ્વર એપાર્ટમેન્ટ સુધીના રસ્તાઓ તદ્દન બિસ્માર હાલતમાં છે. મ્યુનિ. કોર્પો. સમારકામ કરે છે પણ ટૂંકા ગાળાનો ઉકેલ છે. મોટા પાયા પરનું સમારકામ થવું જોઈએ. સૌજન્ય શેરીમાં રસ્તા ઉપરની બત્તીઓ બગડેલી જ રહે છે જેને કારણે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. અનિયમિત બસ સેવા, બસો ખાલી હોવા છતાં ડ્રાઇવરો થોભતાં નથી.

અમદાવાદી પોળ, રાવપુરા

મુખ્ય સમસ્યાઓમાં રખડતાં ઢોર, વધતા જતા લારી-ગલ્લાઓનું દબાણ છે.

પાણીની અછત, ઉનાળામાં નીચેના માળે પણ પાણીનો અભાવ, જૂની ઈમારતોનું સંપૂર્ણ સમારકામ જરૂરી છે. નહીં તો મોટી હોનારત સર્જાવાની શક્યતા.

પોળનો દરવાજો ખસેડી મ્યુઝિયમમાં સાચવવો. કારણ કે જે અત્યારના સંજોગોમાં આ કમાનો ટ્રાફિક સમસ્યા ઊભી કરે છે. પાર્કિંગની ગંભીર સમસ્યા આ પોળમાં ઊભી થયેલી છે.

પ્રતાપનગર

પ્રતાપનગરની તકલીફોનું મૂળ ગજરાવાડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. આ પ્લાન્ટ સંપૂર્ણ ક્ષમતામાં કામ ન કરવાને કારણે કચરો ગટરોમાં ઠાલવવામાં આવે છે જે ઘણી સમસ્યાઓ સર્જે છે. ભરાયેલા પાણીનો તાત્કાલિક નિકાલ કરવાને બદલે મેલેરિયાથી બચવાની દવાઓ વહેંચીને સંતોષ માને છે. ફૂલ ટ્રાફિકના સમય દરમિયાન જ પોલીસ પ્રતાપનગર પુલ પાસે હોતા જ નથી જેને કારણે લારીઓ અને રીક્ષાઓના બેધડક પાર્કિંગને કારણે અત્યંત મુશ્કેલીઓ પડે છે. સડતા કચરાના ઢગલાઓની દુર્ગંધ અસહ્ય બની ગઈ છે. વિદ્યાર્થીઓને પણ અનિયમિત બસ સેવાઓની સમસ્યા નડી રહી છે. ઝુંપડપટ્ટીના રહેવાસીઓ રેલવે લાઈન ઉપર સંડાસ બાથરૂમ કરે છે જેને કારણે ગંદકી ફેલાય છે. ધોયા પાર્ક અને પનઘટ પાર્કમાં પણ પાણીના ઓછા દબાણને કારણે પાણીની અછત કાયમ રહે છે.

દાંડિયા બજાર

લારી-ગલ્લાવાળા કચરો ગટરોમાં ઠાલવે છે જેનાથી ગટરો ઊભરાય છે અને ગંદકી-દુર્ગંધ ફેલાય છે. પોળની અંદરની ફૂટપાથ બિસ્માર હાલતમાં છે. ઘણી બધી સ્કૂલો છે પરંતુ રમત-ગમત માટેનું એક પણ મેદાન નથી. વાહન-વ્યવહાર ભરચક. બધું ઠપ્પ. તેથી રસ્તાઓ સૌથી પહેલા ખુલ્લા, પહોળા કરવા જોઈએ. જાહેર શૌચાલય અને મૂતરડીના અભાવ સમગ્ર રસ્તાઓ જ શૌચાલયમાં ફેરવાઈ ગયા છે.

અહીં વાહન માટે પાર્કિંગની બિલકુલ વ્યવસ્થા નથી.

અહીં છૂટથી દારૂની હેરાફેરી થાય છે. સત્તાધીશો જાણીને પણ આંખ આડા કાન કરે છે. દારૂડિયાઓ દારૂ પીને ધાંધલ ધમાલ અને ઝઘડાઓ કરે છે તેથી અહીં રહેતા લોકોને પારાવાર મુશ્કેલીઓ પડે છે.

વરસાદી ગંદા પાણીનો દુર્ગંધભર્યો ભરાવો એવો તો કાયમી બની ગયો છે કે હવે લોકો તેની ફરિયાદ પણ નથી કરતા.

નિઝામપુરા

ડ્રેનેજની સમસ્યા છે. કચરો, મરેલા જાનવર કૂતરા-ડૂક્કર વગેરે અહીં ઠલવાય છે. નિકાલની કોઈ વ્યવસ્થા નથી. દુર્ગંધ, મચ્છરોનું જન્મસ્થળ છે. રહીશોને અહીં બારે માસ પંખાની જરૂર પડે છે. આરોગ્યની બાબતમાં એકદમ બેદરકારી છે. રહીશોની માંગણી માત્ર ઉઘાડી ડ્રેનેજને ઢાંકી દેવાની છે જે હજુ સુધી બહેરા કાનોએ અથડાઈ રહી છે. સ્વચ્છતાનો અભાવ છે. રોઝ ગાર્ડનની સામેની ખુલ્લી જગ્યામાં કોર્પોરેશને નિકાલ માટે કચરાનો ઢગલો કર્યો છે જેનો નિકાલ હજુ સુધી થયો નથી જેમાં મરેલા જાનવરો પણ છે. અહીં ભયંકર દુર્ગંધ મારતું વાતાવરણ છે જે આરોગ્ય માટે હાનિકારક છે. ગલીઓ એટલી બધી સાંકડી છે કે વાહનની આવ-જા અશક્ય છે. બીમાર માણસો માટે એમ્બ્યુલન્સ પણ જઈ શક્તી નથી.

વરસિયા

ડ્રેનેજની પાઈપોમાં રિપેરિંગ અનિવાર્ય છે. ગેરકાનૂની રીતે ઊભી થયેલી ઝૂંપડપટ્ટીના કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે. અહીંની મ્યુનિસિપલ શાળાઓ દયનીય હાલતમાં છે. ડ્રેનેજમાં ભરાવો થતાં પાણીના નિકાલની કોઈ સગવડ નથી તેથી શાળાઓના જાજરૂ ભરાઈ જાય છે.

પીવાના પાણીની પાઈપલાઈન અને ડ્રેનેજ લાઈન એકદમ નજીક હોવાથી ગમે ત્યારે સમસ્યા સર્જાવાનો ભય રહે છે. રમવાના મેદાનમાં છોકરાઓને બદલે ઢોર – કૂતરા, ડુક્કર ફરતા વધારે જોવા મળે છે. વ્યાપારી વર્ગની અહીં મુખ્ય ત્રણ સમસ્યાઓ છેઃ 1 બીસ્માર રસ્તાઓ 2. અવારનવાર વીજળી કાપ અને 3. વારંવાર લાંબો સમય સુધી ઠપ્પ થઈ જતા ટેલિફોન.

તાંદળજા

સફાઈ કામદારો ક્યારેય આવતા નથી. દરેક ઘરના લોકો વ્યક્તિગત રીતે દસ દસ રૂપિયા આપી સફાઈ કરાવે છે. ચોમાસામાં પાણીના ભરાવાના લીધે ઘરના લોકો બહાર નથી જઈ શક્તા તેમજ બહારથી ઘરમાં આવી શકતા નથી.

ગટરોમાં ભરાવો થાય છે. ગંદુ પાણી ઊભરાય છે. સહકારનગરમાં પાઈપલાઈન છે પણ વ્યક્તિગત નથી જેથી લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. ભારે હાલાકી ભોગવવી પડે છે. તબસ્સુમ પાર્કની સામે સ્ટ્રીટ લાઈટ કામ કરતી નથી. અંધારું હોય છે જેના લીધે ચોરી, લૂંટફાટ થવાની શક્યતાઓ વધી જાય છે. લોકોએ વ્યક્તિગત રીતે ગાર્ડની વ્યવસ્થા કરવી પડે છે. મુક્તિનગર સોસાયટીના મુખ્ય રસ્તાઓ પર ટ્રક વગેરેને લીધે ભારે સમસ્યા સર્જાય છે. સખત અવાજો અને ધૂળનું પ્રદૂષણ સર્જાય છે. રસ્તાઓ પહોળા કરવાની તાતિ જરૂરીયાત છે.

સિયાબાગ

અહીં ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ટ્રક, ખટારાની આવ-જા છે તેથી પોલીસ સાથે સમજૂતી લાગે છે. કાયદાનો કડક અમલ કરાવવાની જરૂર છે. સિયાબાગના મેઈન રોડ પર આવતા-જતા વાહનો કરતાં પાર્ક થયેલા વાહનો વધારે હોવાથી ઘણી અગવડતા પડે છે. ટ્રાફિકના પ્રશ્નો વધુ છે. ફૂટપાથ જૂની હોવાથી ભંગાર હાલતમાં છે વરસાદના દિવસોમાં પાણી-ફૂટપાથમાં નીચે જમા થતું હોવાથી આજુબાજુના ઘરોવાળા લોકોને પણ ઘણી મુશ્કેલીઓ પડે છે. ફરતા ઢોરોની સમસ્યા ગંભીર છે. ટ્રાફિકમાં પણ અંતરાય સર્જે છે.

કરેલી બાગ
ગટરલાઈની રોજે-રોજ સફાઈની ખાસ જરૂરિયાત છે. કચરાના ઢગલા ખૂણે ખૂણે હોવાથી ડુક્કર, કાગડા, જાનવરો સતત રહે છે. અંદરના રસ્તાઓ અત્યંત ખરાબ છે જેને કારણે ટ્રાફિકનો વ્યવહાર લગભગ અશક્ય બની ગયો છે. બ્રાઈટ સ્કૂલના ચાર રસ્તે અકસ્માતો વારંવાર સર્જાય છે. ઘણાના જાન ગયા છે. સફાઈકામદારો આવતા જ નથી. મિકેનિકોની રાહ જોઈને ઊભેલા વાહનો અને ગેરકાયદેસર ઊભેલા ખટારાઓ વીઆઈપી રોડના કાયમી દૃશ્યો બની ગયા છે.

ધનલક્ષ્મી ઋષિ મંડળ રોડ વારંવાર સાફ કરવાની જરૂર છે જ્યાં ગંદો કચરો જ પડેલો હોય છે. ચીલ ઝડપથી ઘરેણાં ચોરવા અને પેટ્રોલની ચોરી ખાસ કરીને કપિલા કૂંજ સોસાયટીની બાજુમાં થાય છે.

આકોટા

ત્રણથી વધારે ઝૂંપડપટ્ટીઓ અહીં છે ટ્રાફિકની સમસ્યા મુખ્ય પ્રશ્ન છે. રસ્તાઓ પહોળા કરાવવાની ખાસ જરૂરિયાત છે. કાટ ખાઈ ગયેલી ડ્રેનેજ લાઈન સાફ કરાવવાને બદલે બદલવાની જરૂર છે. બસ સર્વિસ તદ્દન અનિયમિત પરિણામે દ્વિચક્રી વાહનો વધ્યા છે જેને કારણે પ્રદૂષણ પણ વધ્યું છે.

માનેજા

આસપાસના ઔદ્યોગિક એકમોને કારણે અવાજ અને હવાનું પ્રદૂષણ વધી ગયું છે. પરીક્ષા વખતે બાળકોને ભણવામાં પણ મોટો પ્રોબ્લેમ થાય છે. આટલા બધા ઔદ્યોગિક એકમો હોવા છતાં માનેજામાં યુવાનો બેકાર છે. કમિશનરે પોતે અહીં પૂરું પાડવામાં આવતું પાણી “પીવાલાયક નથી” એવું કહેવા છતાં પાણી સ્વચ્છ મળતું નથી. જે પાણીના ટેન્કરો આવે છે તે પણ અનિયમિત છે. રખડતાં ઢોરો અને જનાવરો ટ્રાફિક સમસ્યા અને એક્સિડેન્ટ્સ કરે છે. સંપૂર્ણ સુસજ્જ હોસ્પિટલ ન હોવાને કારણે અનેક મુશ્કેલીઓ, એક માત્ર દવાખાનું જે જેમાં ડોક્ટરો ઘણા અનિયમિત આવે છે.

બસ સર્વિસ અનિયમિત અને ઓછી છે. મુખ્ય સમસ્યા પાણીના પુરવઠાની છે.

કિશનવાડી

અહીંની મુખ્ય સમસ્યા છે અહીં આવેલું મચ્છી બજાર. માછલી વેચનારાઓ ગંદકી ગમે ત્યાં ફેંકે છે જેના કારણે સાર્વત્રિક દુર્ગંધ ફેલાય છે અને અહીં અવર-જવરમાં પણ મુશ્કેલીઓ સર્જાય છે. પીવાના પાણીની સમસ્યા પણ ગંભીર છે અહીંનું પાણી પણ રંગ અને વાસવાળું પ્રદૂષિત આવતું હોય છે. અહીંના લોકોને શંકા છે કે પાણીની અને ડ્રેનેજની લાઈન ભેગી થઈ હોવી જોઈએ. ગટરના ઊભરાયેલા પાણી ઘરમાં ભરાઈ જાય છે અને આ સમસ્યા વર્ષોથી છે. આટલા મોટા વિસ્તાર માટે કોર્પોરેશને એક જ કચરાપેટી આપેલી છે જે કોઈકવાર ખાલી પણ થાય છે.

તરસાળી
ઓછા દબાણવાળો પાણીનો પુરવઠો. ઊભરાતી ગટરો, પીવાનું ગંદુ પાણી અને તેના પરિણામે ફેલાતી માંદગી અહીંની મુખ્ય સમસ્યાઓ છે. ટેલિફોન વિભાગ રસ્તાઓ તોડે છે, પરંતુ પછી તેનું સમારકામ થતું નથી પરિણામે વારંવાર અકસ્માતો સર્જાય છે. બસ સર્વિસ અહીં અસ્તિત્વમાં જ નથી. તરસાળી મુખ્ય બસ સ્ટેન્ડ પરથી રાત્રે 9 પછી એક પણ બસ છે નહીં જેને કારણે રાત્રે ટ્રેઈન પકડી શકાતી નથી. ડુક્કરોનો અહીં અસહ્ય ત્રાસ છે. હડકાયા કુતરાઓનો પણ ત્રાસ છે. આ વિસ્તારનો મોતીનગર ત્રણ રોડ ચોમાસામાં ખાડા ખાબોચિયાઓથી ભરાઈ ગયેલ હોય છે. ગુંડાગીરી અને અરાજકતા અહીં પુષ્કળ છે. અહીં કાયદો અને વ્યવસ્થા જ નથી.

વાસણા

રસ્તાઓનું તાત્કાલિક રિપેરિંગ કરાવવાની આવશ્યકતા છે. બસ સેવા અત્યંત અનિયમિત હોવાને કારણે સમયસર કોઈ કામ થઈ શકતું નથી. ન્યાયમંદિર તરફની બસની વધુ જરૂર છે. બસ સ્ટેન્ડ વ્યવસ્થિત ન હોવાને કારણે બસ માટે ક્યાં ઊભા રહેવું તેનો પણ લોકોને ખ્યાલ નથી આવતો. પાણીનું દબાણ ઓછું હોવાથી પાણીની પણ ગંભીર સમસ્યા છે. મુખ્ય સમસ્યા વાસણા તળાવમાં ભરાયેલા પાણીની દુર્ગંધ છે અને અહીં મચ્છરોનો ઉપદ્રવ પણ ઘણો છે. સફાઈ કામદારોની અનિયમિતતાને કારણે કચરામાં વધારો થવાથી આરોગ્ય જોખમાય છે. હોસ્પિટલોનો અભાવ છે.

હરણી

કચરાનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે. રમતના મેદાનનો અભાવ છે. પીવાનું પાણી ગંદુ આવે છે. જેનાથી માંદગી ફેલાવાનો ભય રહેલો છે. અનેક વાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કોઈ ફરિયાદ સાંભળતું નથી. સંગમ ચાર રસ્તા ઉપર ટ્રાફિક લાઈટનો અભાવ છે. બસ સર્વિસ અનિયમિત અને ઠેકાણા વગરના બસ સ્ટેન્ડો છે.

નવા યાર્ડ

અહીં પાણી ફક્ત 15 મિનિટ જ મળે છે. પોસ્ટ ઓફિસનો અભાવ છે. છાણી અને ફતેહગંજ જકાતનાકા પોસ્ટ ઓફિસ સુધી લોકોનું જવું પડે છે. ખોદકામ થયેલા રસ્તાઓનું સમારકામ થતું જ નથી. જયતુલનગર સામેનો ખુલ્લો પ્લોટ કચરાના ઢગલાઓથી ભરેલો છે. પરિણામે અહીં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને માંદગી ફેલાવાનો ભય રહેલો છે. મોટી સમસ્યા અહીં ડુક્કરોની છે.

પાણીગેટ

પાણીગેટ – આજવા રોડના ચાર રસ્તા ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. લારી ગલ્લાવાળાઓ અને અને સાંકડા રસ્તાને કારણે ટ્રાફિકમાં અંધાધૂંધી સર્જાય છે. શાકભાજીનું અહીં માર્કેટ હોવા છતાં વેચાણ રસ્તા ઉપર થાય છે. મુગલવાડા – પાણીગેટ અત્યંત ગંદકીથી ભરાયેલા છે.

બસ ડ્રાઇવર અને એસ.ટી. બસ ડ્રાઈવરોની સ્પીડને કારણે અહીંનો રસ્તો જોખમકારક બની ગયો છે. રસ્તાઓ ખૂબ સાંકડા છે. અહીં પાણી ફક્ત 15 મિનિટ જ મળે છે. કુંભારવાડા વિસ્તારમાં વરસાદ દરમિયાન રસ્તો લગભગ બંધ જ થઈ જાય છે. મચ્છરોના ઉપદ્રવને કારણે મેલેરિયા વારે વારે થાય છે. સફાઈ કામદારો ફક્ત મુખ્ય રસ્તો સાફ કરે છે. ગલીઓ નથી કરતાં.

જાંબુવા

પીવાના પાણીની અછત છે. પુરવટો અત્યંત ઓછો. વારંવાર રોગ થાય તેવું પાણી. એક જ સ્કૂલ છે જે કોમ્યુનિટી હોલમાં ચાલે છે. હોસ્પિટલ ન હોવાને કારણે દર્દીઓને હોસ્પિટલમાં લઈ જતા સુધીમાં જ મૃત્યુ પામે છે.

ગરીબ પ્રજા પાસે વ્યવસ્થિત બસ સર્વિસ કે એસ.ટી. સર્વિસ ન હોવાને કારણે ગરમીમાં અતિશય તકલીફમાં મુકાય છે.

એક જ શૌચાલય છે જે ક્યારેય સાફ થતું નથી. પાણીના અભાવે.

અટલાદરા

બસ સર્વિસ અતિશય ઓછી. 12થી 3માં કોઈ બસ જ નથી. ઓટો રિક્ષા ખૂબ મોંઘી. એસ.ટી. ઊભી જ રહેતી નથી. બાળકોને રમવાની સુવિધા જ નથી. પટેલ ફળિયા પાસેની ખુલ્લી ગટરો જેમાં બાળકો ફસાઈ જાય છે અને વાહનો પણ પડી જાય તેવો સતત ભય રહે છે. કેરોસીન દર મહિને ત્રણ વાર વિતરણ થતું હતું જ હવે બે વાર કરી નખાયું છે.

પાણીની અછત મુખ્ય સમસ્યા છે.

દિવાળીપુરા

પાણીનો અભાવ, ઓછું દબાણ કાયમી સમસ્યા. કો.ઓપ. સોસાયટીમાં પાણીની ગંભીર સમસ્યા. જાહેર શૌચાલયમાં અત્યંત ગંદકી. હેન્ડ પંપમાંથી પણ ગંદુ પાણી આવે છે. બે વાર પાણી આપવામાં આવે છે, પરંતુ ઓછા દબાણને કારણે પૂરતું પાણી મળતું નથી. ગવર્નમેન્ટ હોસ્પિટલ નથી. અહીંના રહીશોને ખાનગી હોસ્પિટલ પોસાતી નથી. માઈલો દૂર જવું પડે છે.

લક્ષ્મીપુરા

કો.ઓ.હા. સોસાયટી 10 વર્ષથી અસ્તિત્વમાં આવી હોવા છતાં આજે પણ ગટર સિસ્ટમ નથી. જાહેર શૌચાલય નથી. ઘણા રહીશોને પોતાના શૌચાલય પોસાય તેવા નથી. સાર્વજનિક નળોમાં પણ ગંદુ પાણી આવે છે. ગામમાં દવાની દુકાન જ નથી સરકારી દવાખાનું જ નથી. સ્મશાનમાં પણ ખાડા ખોદીને માટી લઈ ગયા છે. બાળકો માટે રમતગમતનું મેદાન જ નથી.

પ્રતાપગંજ

બેંક ઓફ બરોડા અને રોઝરી સ્કૂલના રસ્તાઓ ઉપર મનાઈ હોવા છતાં ભારે વાહનો ચાલે છે. જે અત્યંત જોખમકારક છે – બંધ થવું જ જોઈએ. જેને કારણે છોકરીઓની છેડતીના બનાવો બને છે. હંસા મહેતા હોસ્ટેલ રોડ પર સાંજે 7-00 વાગ્યા પછી અંધારપટ જ હોય છે. ભારે વાહનોની મનાઈ હોવા છતાં અહીં આવા વાહનો ફરે છે. કચરાના ઢગલાઓ ઠેર ઠેર દેખાઈ રહ્યા છે. મુખ્ય રસ્તાઓ સારા હોવા છતાં અંદરનાં રસ્તાઓ ખરાબ હાલતમાં હોય છે.

ફતેહપુરા

આર.ટી.ઓ. મેઈન રોડ ઉપર આવેલા સ્વામી પ્રેમદાસ એપાર્ટમેન્ટ સામે બી.એમ.સી.એ કચરાનો ડબ્બો મુક્યો છે. જે ખાલી કરતાં જ નથી જેને કારણે ભયંકર ગંદકી ફેલાય છે. અને જાનવરોનો ઉપદ્રવ થાય છે.

કાટ ખાઈ ગયેલી પાઈપલાઈનને કારણે ગટરો ઊભરાય છે અને એનું પાણી પીવાનાં પાણી સાથે ભળે છે. એવી શંકા છે. – અંદરના રસ્તા ધ્યાન ખેંચે છે. ખાસ કરીને શુક્રવારી બજારના દિવસોમાં વ્યવસ્થાનો અભાવ.

કોઈલી ફળિયા નાકાની મૂતરડી દુર્ગધથી ભરેલી છે જ્યાં નાક બંધ કર્યા સિવાય ચલાતું નથી.

ઓલ્ડ પાદરા રોડ

–     રસ્તાની સંપૂર્ણ પહોળાઈના ઉપયોગનાં અભાવે સૌથી વધારે ટ્રાફિક પ્રોબ્લેમ.

–     ખાનગી શાળાઓનો અભાવ.

–     આવિષ્કાર સોસાયટીમાં રહેતા રહીશોને ગુ.ઈ. બોર્ડમાંથી પૂરી પાડવામાં આવતી વીજળીમાં વારંવાર થતા ફેરફારો કારણે ઈલેક્ટ્રોનિક સાધનો બગડી જાય છે.

–     ટ્રાફિક સિગ્નલ અને પોલીસની વ્યવસ્થાનો 4 રસ્તાઓ પર અભાવ.

વાઘોડિયા

–     બી.એમ.સી. પગાર આપવા છતાં સફાઈ કામદારો પાસેથી કામ કરાવવા પૈસા આપવા પડે.

–     ટપાલ વ્યવસ્થા અનિયમિત.

–     સ્પીડબ્રેકર ન હોવાને કારણે ઝડપી વાહનો અકસ્માત કરાવે છે.

–     ખુલ્લી ગટરોમાં ગાયો પડી જવાના અનેક પ્રસંગો બન્યાં છે.

–     વીજળીના તાર રહેઠાણોમાંથી પસાર થતાં હોવાથી જોખમકારક બને છે.

–     સોસાયટીઓ સાફ કરવા અથવા દવા છાંટવા કોઈ અવતું નથી – મચ્છરોનો અતિશય ઉપદ્રવ.

આટઆટલા પ્રશ્નો છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી આવતા ભાજપના વહિવટનું પરિણામ છે તેવું વડોદરાના સ્થાનિક લોકો કહે છે. શહેરના લોકો ભાજપનાં પ્રચાર, ગપગોળા અને માત્ર કલ્પનાઓનાં ગુબ્બારાઓથી વાજ આવી ગયા છે. ત્યાંની પ્રજા પ્રમાણમાં શિક્ષિત છે. એટલે ભાજપની નોટંકીઓને સમજે છે. કેટલાક યુવાનો કહે છે કે આ વખતે અમે ભાજપના ઉમેદવારને એવો પાઠ ભણાવવા માંગીએ છીએ કે તેનો પડઘો છેક ગાંધીનગર અને દિલ્હીમાંયે પડે.

ડો. ઉર્મિલાબેન વડોદરાની આવી બધી સમસ્યાઓ ઉપર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. આ ઉપરાંત ઓ.એન.જી.સી. અને જી.એસ.એફ.સી. જેવા ઉદ્યોગોના કારણે પ્રદૂષણની સમસ્યા ઉપર ડો. પટેલની ચિંતા ખૂબ વાજબી છે. ઉર્મિલાબેન પ્રદુષણનો મુદ્દો ઉઠાવ્યો ત્યાર પછી વડોદરાની જનતા સફાળી બેઠી થઈ ગઈ છે. જનતાને ડો. પટેલની વાતમાં વજુદ જણાતાં શહેરના બૌદ્ધિકો, વિચારકો, હિતચિંતકો, ડોક્ટરો અને આરોગ્ય ખાનાનાં નિષ્ણાંતોએ પણ ઉર્મિલાબેનની ચિંતામાં સૂર પુરાવવા માંડ્યો છે. આ પ્રદૂષણ એવું છે કે જીવતા માણસના શરીરમાં હવા દ્વારા ધીમે ધીમે કેવું ઝેર જાય છે તેની વાત છે. મોટા ઉદ્યોગો શહેરની ફરતે વિકસતા ગયા પરંતુ પ્રદુષિત વાતાવરણનાં પ્રલય સામે આજ સુધી કોઈએય ક્યારે આંગળી ચીંધી નહોતી. ઉર્મિલાબેનની આ ચિંતાને સમાજ અને શહેરનાં બહાળા વર્ગનો સાનુકૂળ પ્રતિભાવ સાંપડ્યો છે. અલબત્ત ઉર્મિલાબેન કહે છે કે આયુષ્ય-આરોગ્ય સંકળાયેલો હોઈ તેમાં તાત્કાલિક પગલાંઓ લેવાની શરૂઆત થઈ જવી જોઈએ.

નર્મદાની જ્યાં સુધી વાત છે ત્યારે ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલનાં યોગદાનની વાત સૌથી વધારે મહત્ત્વની છે. આજે આખું ગુજરાત એકી અવાજે કહે છે કે ચિમનભાઈ આવ્યા હોત તો આજે નર્મદા યોજના ક્યારનીયે પુરી થઈ ગઈ હોત અને રાજ્યનાં ગામડાઓ હરીયાળા બનવા માંડ્યા હોત. ચીમનભાઈના નર્મદા માટેના સંઘર્ષમાં ઊર્મિલાબેનનો ફાળો જરાય નાનો નથી. અઠવાડિયાઓ સુધી ખાધા-પીધા કે સરખી ઊંઘ કે આરામ લીધા સિવાય નર્મદાની ગાડીને પાટે ચડાવવા રાત દિવસ મહેનત કરવાનો રેકોર્ડ આ નમ્ર અને સરળ જણાતા ઉર્મિલાબેનના ફાળે જાય છે. મક્કમ મનોબળ અને ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ સ્વસ્થ રહીને ધ્યેયથી વિચલિત ન થાય તેવા ઉર્મિલાબેનને લોકો પ્રેમથી બેન કહીને જ બોલાવે છે. હાલમાં નર્મદા વિરોધી લેખો લખવા બદલ અને રેલી ફોર વેલી જેવા નાટક કરીને સુપ્રીમકોર્ટ પર દબાણ લાવવાનો કીમિયો કરનાર સામે ત્વરિત પ્રતિક્રિયા આપનાર ઉર્મિલાબેન જ હતા, જ્યારે આપણી સરકાર અને તેના પ્રધાન ઉંઘતા હતા.

આવા જાગૃત અને પ્રજાને વફાદાર એવા મહિલા પ્રતિનિધિ ડો. ઉર્મિલાબેન પટેલ હાલ સુધી રાજ્યસભાના સભ્ય હતા. હવે લોકસભાનાં સભ્યનું બિરુદ મેળવી લેતા તેમને ગણતરીના દિવસોની જ રાહ જોવાની છે એવું વડોદરાની જનતા એકી અવાજે કહે છે.

Leave a reply

Scroll Up