Blog

આંતકવાદ સામે આક્રોશ: પાર્થને કહો ચડાવે બાણ….

વેદોમાં, શાસ્ત્રોમાં કે વિજ્ઞાનનાં પુસ્તકોમાં ક્યાંય પણ ન લખ્યુ હોય છતાં જે માન્યતા દુનિયાના લોકોમાં ઘર કરતી જાય છે, તે 13 ના અપશુકનિયાળ આંકડાને વધારે મજબૂત બનાવતી ઘટના 13 ડિસેમ્બરે ભારતીય સંસદભવન પરનાં હુમલા પછી ભારતીય લોકોમાં વધારે બળવત્તર બની. નવી દિલ્હીમાં સંસદનું સત્ર ચાલતું હોય, વી.આઈ.પી.ઓની અવરજવર વધારે હોય. ઘટનાઓ સભર સંસદનાં સત્રના મોકાનો ઉપયોગ કરીને લેવા રાજકીય પક્ષો, નેતાઓ, અધિકારીઓ, કંપનીઓ, સંસ્થાઓ, વિદેશી મંડળીઓની હોહા મચતી હોય છે, દૃષ્ટ મનસુબાઓ ધરાવતા અને અમેરાકા જેવા દેશને પણ થથરાવતા આંતરરાષ્ટ્રિય સ્તેર સક્રિય એવા આતંકવાદીઓમાં આવો સમય હવે સુવર્ણકાળ મનાવા લાગ્યો છે.

13મી ડિસેમ્બર 2001નો દિવસ ભારતનાં ઈતિહાસમાં ખોફનાક દિવસ તરીકે યાદ રહેશે. સંસદનું સત્ર ચાલુ હતું. સવારે 11-06 કલાકે લોકસભામાં અને રાજ્યસભાના બંને ગૃહો પોટો અને જ્યોર્જ ફર્નાન્ડીઝના રાજીનામાના મુદ્દે મુલત્વી રહ્યા. ગૃહ જેવા મોકુફ રહે કે તુર્ત જ સાંસદો સંસદના સેન્ટ્રલ હોલમાં જવા કે લાયબ્રેરીમાં જવા ટેવાયેલા હોય છે. કેટલાક સાંસદો અને મંત્રીઓ પોતાની પ્રાથમિકતા મુજબના જવાબદારી ભર્યા કાર્યોને આટોપવામાં લાગી જતાં હોય છે. તેરમી ડિસેમ્બરે આતંકવાદીઓ દ્વારા સંસદભવન ઉપર જે હુમલો કરવામાં આવ્યો, ત્યારે સંસદભવનની આંતરિક પરિસ્થિતિ તથા વી.વી.આઈ.પી.ઓની હિલચાલ કેવીક હતી, તેની જાણકારી વાચંકો માટે રસપ્રદ બની રહેશે.

એ દિવસે ગુરૂવાર હતો, એટલે સામાન્ય રીતે વડાપ્રધાનનો પ્રશ્નકાળ રહેતો હોઈ તેઓએ રાજ્યસભામાં પહોંચવાની તૈયારીઓ કરી દીધેલી. પરંતુ ભાજપના વરિષ્ઠ નેતા મદનલાલ ખુરાના આવી ચડેલા. તેમની સાથે વાતચીતમાં થોડો વિલંબ થયો, ત્યાં જ વડાપ્રધાનના કાર્યાલયનાં મંત્રી વિજય ગોયલનો સંદેશો આવ્યો કે સંસદનાં બંને ગૃહો પોટો અને જ્યોર્જ ફર્નાન્ડીઝના રાજીનામાનાં મુદ્દે મોકુફ રખાયા હોઈ વડાપ્રધાને અહિંયા સંસદમાં આવવાની જરૂર નથી. વિરોધપક્ષના નેતા કોંગ્રેસનાં સોનીયા ગાંધી સંસદમાં જ હતા. પરંતુ સોનીયાજીની ખાસ આદત છે કે તેઓ અન્ય સાંસદોની માફક ગૃહ મુલતવી રહે તેવા સંજોગોમાં સંસદભવનમાંજ રહેવાને બદલે તુર્ત જ પોતાના નિવાસસ્થાને ચાલ્યા જતાં હોય છે. આ વખતે પણ તેઓ એવુંજ કર્યુ. 11-17 મિનિટે જ તેઓ 10, જનપથ જવા નીકળી ગયા. ઉપરાષ્ટ્રપતિશ્રી કૃષ્ણકાંત કદાચ સૌથી વધારે ભાગ્યશાળી હતા. તેઓ સંસદભવનના 12 નંબરનાં દરવાજા પાસેની પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળતાં હતા, ત્યાં જ ભાજપી સાંસદ મહેશચંદ શર્મા તેમને મળવા આવ્યા. એટલે તેઓ ફરી પોતાની ખૂરશીમાં બેસીને વાત કરવા લાગ્યા.

ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ બરાબર 11-41 કલાકે એક સફેદ એમ્બેસેડર કાર વિજયચોક તરફના સંસદભવનનાં દ્વારેથી પ્રવેશીને જમણી તરફ વળાંક લઈ સંસદભવનનાં ગેટ-11 પર આવીને ઉભી. આ ગાડી પર DL-3C J-1527 નંબરની પ્લેટ તથા ગૃહ મંત્રાલયનું સ્ટીકર ઉપર ચોટાડેલું હતું. લાલ બત્તી હતી. કાર જેવી ગેટ પાસે ધસી, ત્યારે સીક્યુરીટી ઓફિસર જે.પી.યાદવે ગાડીને ઉભી રાખવા પ્રયત્ન કર્યો, પરંતુ ગાડી આગળ ધસી જતાં જે.પી.યાદવે પળનો ય વિલંબ કર્યા સિવાય પોતાની વોકી ટોકી પર બીજા અધિકારીઓ સાવચેત કર્યા. ગણતરીની ક્ષણોમાં જ ગાડીમાંથી કાળા-લીલા કમાંડો જેવા પહેરવેશમાં પાંચ (કોઈ કહે છે –છ) ત્રાસવાદીઓ વીજળીક વેગે કુદીને બહાર આવ્યા. તેમણે સૌ પ્રથમ આ જે.પી.યાદવને ગોળીથી ઠાર માર્યો. ઉપરાષ્ટ્રપતિ કૃષ્ણકાંતની ગાડી તેઓની રાહ જોતી ઉભી હતી. તેઓ ફરી બહાર આવવા ઉભા થયા, ત્યાં લોકસભાનાં ડેપ્યુટી સ્પીકર પી.એમ. સૈયદનો તેમના પર ફોન આવ્યો અને તેઓ ફોન પર વાત કરવા રોકાયા ત્યાં, તો ગોળીબાર શરૂ થઈ ગયેલો. એક ત્રાસવાદી મુખ્ય દ્વાર તરફ ભાગ્યો. તેણે પોતાની સાથે સ્ફોટક પદાર્થ વીંટાળેલો હતો. તેનો આત્મઘાતી હુમલામાં કેટલાંયે વી.આઈ.પી.ઓને ત્યાં જ મારી નાંખવાની તેની યોજના હતી.

ત્રણ ત્રાસવાદીઓમાંથી બે દ્વાર નં-8 તરફ ત્રાટક્યા, જેમને ભારતની સંસદનાં સુરક્ષા જવાનોએ સામસામા ગોળીબાર દરમિયાન ઠાર માર્યા. પરંતુ એક ત્રાસવાદી પાછળનાં ભાગેથી પાંચ નંબરનાં દરવાજા સુધી આવી ગયેલ. આ રસ્તો વડાપ્રધાનને નીકળવા માટેનો છે. ત્રાસવાદીઓએ નિર્ધારીત લક્ષ્યાંકો પાર પાડવા પૂરતા મરણિયા પ્રયાસો કર્યા, પરંતુ સુરક્ષા કર્મચારીઓએ જાનની બાજી લગાવીને પાંચેય આતંકવાદીઓને ઠાર માર્યા. આમ છતાં આપણાં સીક્યોરીટી ગાર્ડઝ ઉપરાંત એક માળી સહિત અન્ય નવ જણાં પણ મૃત્યુ પામ્યા.

આ દરમિયાન આપણાં સુરક્ષા જવાનોએ સંસદભવનનાં તમામ દરવાજાઓ તાત્કાલી બંદ કરી દીધા હતા. જેટલા સાંસદો હતા. તે તમામને સંસદના સેન્ટ્રલ હોલમાં ધકેલી દેવાયા. સી.આર.પી.એફ.નાં જવાનો તથા ત્રાસવાદીઓ વચ્ચે સતત વીશ મિનિટ સુધી ગોળીબારની વર્ષા ચાલુ રહી.

દરમિયાન અડવાણીજી કે જેઓ પોતાની ચેમ્બર કે જે આઠ નંબરનાં દરવાજા પાસે જ છે, ત્યાં અરૂણ જેટલી, વી.કે. મલ્હોત્રા તેમજ વૈકયા નાયડુ સાથે રાજકીય ચર્ચાઓ કરી રહ્યા હતા. જ્યોર્જ ફર્નાન્ડીઝ પાંચ નંબરનાં ગેટ પાસે સંરક્ષણ વિભાગનાં અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. કુલ મળીને લગભગ 250 જેટલા સાંસદો એ સમયે સંસદભવનમાં જ હતા. આ ઉપરાંતનાં કેટલાયે વી.આઈ.પી.ઓ પણ ત્યાં મોજુદ હતા. ઈલેક્ટ્રોનીક મીડીયા તથા પ્રિન્ટ મીડીયાનાં પત્રકારો રૂટી કવરેજ કરી રહ્યા હતા. ત્રાસવાદીઓ હુમલા દરમિયાન  પછી પણ ઈલેક્ટ્રોનીક મીડીયાની ટી.વી.ચેનલોના પત્રકારોએ તથા પ્રિન્ટ મીડીયાનાં કેમેરામેનો એ પોતાનું કવરેજ અદભૂત રીતે ચાલુ રાખીને દેશના કરોડો લોકોને અચંબામાં નાંખી દીધા હતા. સંસદભવનમાં સ્વાભાવિક રીતે જ હાહાકાર મચી ગયો હતો. દલબીરસિંઘ નામનાં એક સુરક્ષા અધિકારીનાં કાન પાસેથી ગોળી પસાર થઈ ગઈ અને પગના તળિયા પાસે એક ગોળી ઝીંકાઈ પણ પોતે આબાદ બચી ગયો.

ભારતમાં કદાચ એકમાત્ર અપવાદ આર.કે.આનંદ હશે. જેઓ 13ના આંકડાને શુકનિયાળ માને છે. આ આર.કે. આનંદ એટલે ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિંહરાયનાં વકીલ અને લાલુ યાદવના રાષ્ટ્રિય જનતા દળનાં રાજ્યસભાનાં સાંસદ, 13 ડિસેમ્બર આર.કે.આનંદ જેવા તેમની કારમાં સંસદભવનમાં ઘૂસ્યા બરાબર ત્યારે જ ફાયરીંગ શરૂ થયું હતું. અને તે પોતે ગેટ નં-1 પાસેજ હતા. તેમણે પોતાની ગાડી તરત જ પાછી વાળવા ડ્રાયવરને કહી દીધું. એમને જે ગાડીએ બાલબાલ બચાવી લીધા ને ગાડીનો નંબર હતો. DRY-13 તેમના કહેવા પ્રમાણે તેઓ તેમની બધીજ ગાડીમાં 13 નંબર અવશ્ય રખાવે છે…!!

ત્રાસવાદીઓએ હુમલો શરૂ કર્યો, ત્યારે અન્ય એક કિસ્સામાં કોંગ્રેસની કુ.શૈલજા કે જે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી છે, તેમને ભયાનક અનુભવ થઈ ગયો. સંસદભવનના ગેટ નં-12 પર તેઓ તેમનાં ડ્રાઈવર વિજય સાથે કોંગ્રેસનાં નેતા ગુલાબનબી આઝાદની રાહ જોઈ રહ્યા હતા. એક સુરક્ષા અધિકારીએ તેમને કહ્યું કે તમે ગાડી ઓકવર્ડ પાર્ક કરી છે. જરા બીજે ખસેડો તેથી ડ્રાઈવર વિજયે ગાડી ખસેડી ત્યાં જ ત્રાસવાદીઓ તેમની નજીક જ પોતાની ગાડીમાં ઘસી આવ્યા. કુ. શૈલજાએ ત્રાસવાદીઓને ગાડીમાંથી ઉતરતા જોયા અને પોતાની પાસે જ ક્ષણભર માટે ઉભા રહ્યા પરંતુ દિશા બદલી લીધી. બે સેકંડ પછી ગોળીબારનો જે અવાજ શરૂ થઈ ગયેલો તેમાં શૈલજાને લાગ્યુ કે લગ્નની મોસમ ચાલે છે તો ફટાકડા ફૂટ્યા કે શું? પરંતુ તુર્ત જ તેના ડ્રાઈવરે પરિસ્થિતિથી કું.શૈલજાને વાકેફ કર્યા અલબત્ત કું. શૈલજાની સામે જ સાક્ષાત મોત આવીને પાછું ફરી ગયું…! આટલું થયું ત્યાં સુધીમાં આતંકવાદીઓએ તેમની નજીક જ સી.આર.પી.એફ. ની એક લેડી કોન્ટેબલને ગોળીથી વીંધી નાંખી હતી.

સંસદભવનમાં અફરા તરફી મચી ગઈ બધે જ ભાગદોડ જોવા મળતી હતી. સીક્યોરીટી ગાર્ડઝનાં જવાનો જીવ સટોસટની બાજી ખેલી રહ્યા હતા. પાંચ આતંકવાદી હોવાની શંકાએ લગભગ અઢી કલાક સુધી સાંસદોને સેન્ટ્રલ હોલમાં બંદી બનાવી રાખ્યા. સેન્ટ્રલ હોલમાં ગૃહમંત્રી લાલક્રિષ્ણ અડવાણી, સંસદીય બાબતોનાં મંત્રીશ્રી પ્રમોદ મહાજન, વિદેશમંત્રી જસવંતસિંહ, સંરક્ષણ મંત્રીશ્રી જ્યોર્જ ફર્નાન્ડીઝ, કાયદા મંત્રીશ્રી અરૂણ જેટલી ઉપરાંત કેટલાંયે મંત્રીઓ હાજર હતા. અલબત્ત સેન્ટ્રલ હોલમાં દહેશતનું વાતાવરણ જરૂર હતું, પરંતુ દેખીતો ફફડાટ કે ભાગાભાગી નહોતી થઈ.

દેશ આખામાં વાયુવેગે સમાચાર પ્રસરી ગયા હતા. અમેરીકામાં તાજેતરમાં થયેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનાં આતંકવાદી હુમલાની યાદ સૌને ચિંતામાં રાખતી હતી. સંસદભવન પર આકાશમાંથી કોઈ વિમાન આવીને તો ત્રાટકવાનું નથી ને? તેવી ચિંતા મિનિટે મિનિટે લોકને સતાવતી હતી.

એક નોંધપાત્ર ઘટના એ બની કે આતંકવાદી હુમલો શરૂ થયો ને ગણતરીની મિનિટમાં જ એટલે કે તે એક બાજુ ગોળીબાર ચાલુ હતા ત્યારે જે વડાપ્રધાન અટલજી પર વિરોધપક્ષનાં નેતા સોનીયા ગાંધીનો ફોન આવ્યો કે આપ ઠીક છો ને? વડાપ્રધાને આ ઘટનાનો ઉલ્લેખ બીજે દિવસે સંસદમાં કરીને સૌને કહ્યું કે સોનીયાજીનાં આ ફોન ની મારી ઉપર ઉંડી અસર થઈ છે અને મને લાગ્યું છે કે કટોકટીની અને આ દેશ એક જૂથબનીને મારી સાથે ખડો છે. લોકશાહી આપણાં દેશમાં જીવંત છે. અટલજી એ એમ પણ કહ્યું કે સોનીયાના નેતૃત્વમાં કોંગ્રેસ પોતાની પરંપરા બરાબર નિભાવી રહી છે. અને તેણે દેશની એકતા પ્રગટ કરી છે.

આતંકવાદીઓએ જ્યારે હુમલો કર્યો ત્યારે સમાજવાદીના પાર્ટીના નેતા અમરસિંહ પોતાની ગાડીમાં બેસીને સંસદનાં પ્રાંગણમાં પ્રવેશી રહ્યા હતા. આતંકવાદીઓએ એમની કાર ઉપર પણ ગોળીઓ વરસાવી. એક ગોળી તો એમની કારને વાગી પણ ખરી. આ ઘટનાની શરૂઆત થઈ કે તરત જ ફુલ સંખ્યામાં પોલીસ, સી.આર.પી.એફ., કમાન્ડો, તેમજ 1-05 મિનિટે તો લશ્કર પણ આવી ગયું. પરંતુ ત્યાં સુધીમાં ભારતની સંસદના સુરક્ષા ગાર્ડોમાં કોન્સેટેબલો ઘનશ્યામ હેડ કોન્સેટબલ ઓમ પ્રકાશ, સહાયક ઉપ નિરીક્ષક નાનકચંદ, રામપાલ, જગદીશ પ્રસાદ યાદવ, કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળની મહિલા કોન્સેટેબલ સુ શ્રી કમલેશ કુમારી તથા સી.પી.ડબલ્યુ.ડીનો માળી ધનરાજ શહીદ થઈ ચૂક્યા હતા. આતંકવાદીઓએ હાથથી હેન્ડ ગ્રેનેડ પણ સંસદ ભવનનાં પટાંગણમાં ઝીકેલા ગોળીબાર અડધી કલાક જેટલો સમય ચાલ્યા પછી શાંત થયા બાદ બપોરે ચાર વાગીને પાંચ મિનિટે ફરી એક જોરદાર ધડાકો થયેલો ત્યારે ચિંતા પ્રસરેલી પરંતુ પાછળથી માહિતી આપી કે એક દારૂગોળોને નકામો બનાવવા માટેનાં સુરક્ષા કર્મચારીઓનાં પ્રયાસનાં કારણે તે ધડાકો થયેલો. એક છૂપાયેલા આતંકવાદીને શોધવા માટે સંખ્યામાં પોલીસ, સી.આર.પી.એફ…..ને લેશેકરને પણ બોલાવી લેવામાં આવેલું પરંતુ કોઈ ત્રાસવાદી સંતાયો હોય કે બચ્યો હોય તેવું જણાયું નહોતું.

સૌથી સારી વાત એ હતી કે સુરક્ષા અધિકારઓએ સારૂ થયું કે આતંકવાદીઓને સંસદના દરવાજા પર જ રોકી દઈને ઠાર માર્યા નહિતર શું થાય તેની કલ્પના જ ખતરનાક છે. જો આત્મઘાતી હુમલો કરનારા આતંકવાદીઓ સંસદની અંદર પહોંચી ગયા હોત તો બોંબ વિસ્ફોટ કે અંધાધૂંધ ગોળીબાર કરીને કોણ જાણે કેટલા સાંસદો-મંત્રીઓને શિકાર બનાવત તેની કલ્પના માત્ર બિહામણુ ચિત્ર ખડુ કરે છે.

આ ઘટનાના ગંભીર પ્રત્યાઘાતો આખા દેશમાં પડ્યા. વિદેશોએ પણ આતંકવાદી હુમલાની ગંભીર નોંધ લીધી. દેશના વડાપ્રધાન અટલજી એ કહ્યું કે આતંકવાદ સામેની લડાઈ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. હવે ભારત આરપારની લડાઈ લડી લેશે.

સવાલ એ છે કે ભારત ખરેખર આરપારની લડાઈ લડી લેશે કે કેમ? લોકોના મનમાં શંકા છે આ શંકા માટેનાં ચોક્કસ કારણ છે. ‘આરપાર’ સાપ્તાહિકે ગુજરાત ભરમાંથી આશરે 23000 લોકોનો પ્રત્યક્ષ સંપર્ક કરી મોટા પાયે સર્વે કર્યો, તેમાં 91% લોકોએ એકી અવાજે કહ્યું કે ભારતે હવે આરપારની લડાઈ લડી જ લેવી જોઈએ અને તે સિવાય છૂટકો નથી.

યુદ્ધ કરવું જ જોઈએ એવી લોકોની પ્રતિક્રિયા અનેક કારણોસર સાચી છે. કારણ કે જો ભારતની ધાકમાં વિશ્વમાં હોત તો શું કદહાર વાળું વિમાની અપહરણ થયું હોત? શું પહેલગામમાં તીર્થ યાત્રી ઉપર હુમલો કરવાની કોઈની હિંમત હતી? શું કોઈ લાલ કિલ્લામાં ગાબડુ પાડવાની યોજના વિચારી શક્ત? પરંતુ આતંકવાદીઓ અને તેને શરણ આપનારાઓ માને છે કે ભારત પોલ્મ પોલ વાળુ રાષ્ટ્ર છે. તેનું મોઢુ ખોલુ છે. મોઢામાં આવેલી ચીજ વસ્તુઓને હાથી દાંતથી નહિ ઘસાઈ ગયેલી દાઢોથી ચાવે છે. તેનો ભૂક્કો નહિ કરી શકે તેની ખબર તેઓને કારગીલ યુદ્ધથી થઈ ગઈ હતી. કારગીલમાં શું થયું હતું? આતંકવાદીઓ સામે ચાલીને આપણાં મોઢામાં આવી ગયા હતા પરંતુ આપણે શું થયું? આપણે બુમરેંગ કરી, આપણાં રહ્યા સહ્યા દાંત તોડાવ્યા અને તે ઘુસણખોરોને બસ કાઢી મુક્યા શું એટલું પુરતું હતું? આપણે તેમની કચુંબર કેમ ન કરી ? બકરો પણ નીકળી ગયો અને તેની માને પણ કશું ન થયું. જો ભારતમાં તાકાત હોત તો પહેલા બકરાની મા ઉપર જ હુમલો કરત અને પછી બકરાને સજા કરત. પરંતુ ભારતની બુઝદીલીને બકરાએ કારગીલમાં માપી લીધી. અને તે જ બકરાઓ કંધારામાં સિંહ બની ગયા. તેણે કારગીલનો બદલો કંધારમાં લીધો. આજે સંસદ ભવનમાં જે થયું તે કારગીલ અને કંધારની આગલી કડી છે. જો આપણે કારગીલ અને કંધારમાં પહેલી કડી તોડી નાંખતા તો કદાચ આજે આપણે આ શરમજનક ઘટનામાંથી પસાર ન થવું પડત.

સંસદભવનમાં જે બન્યું છે, તે આતંકવાદની એક નવી શરૂઆત છે. દેશની કઈ કઈ ઈમારતો છે, જે ટ્રેડ સેન્ટર બનવાથી બચી શકે છે? જે સરકારની જમીન પર સુરક્ષા નથી તે આકાશમાં શું કરી શકશે? સુરક્ષિત જમીન પર કરવાની હોય કે આકાશમાં તેની પહેલી શરત એ છે કે હુમલાખોરોનાં હાડકાંઓમાં કમકમા આવી જાય તેવી બહાદુરી, હિંમત તમારામાં છે કે નહિ? ઈઝરાયલથી પણ પાઠ શીખવા જેવો છે. તેની પાસેથી આપણે કરોડોનાં હથિયારો ખરીદી રહ્યા છીએ. જરૂર ખરીદીએ, પરંતુ તેઓનું ચપટીભર સાહસ પણ માંગી લો, જેથી તમારી નૌકા પાર થઈ શકે. આતંકવાદીઓએ પોતાના કાર્યોથી તમારા સૈન્ય બળ અને શસ્ત્ર બળ બંને પર જાણે લાત મારી છે. તેઓએ સાબિત કરી આપ્યુ છે કે તમારી શક્તિની ભૂખ હવામાં છે. આપને ટાડા જોઈએ, પોટો જોઈએ, કટોકટી જોઈએ, વિશેષાધિકાર જોઈએ, શેના માટે? શક્તિના નવાનવા કાયદાઓ જોઈએ. તેનું શું કરવાનું? ખીચડીની માફક ખાયા કરીશું? ઘાસની માફક પચાવતાં રહીશું? અને સુરક્ષાનાં નામે મીંડુ? આજે તો તે પોટો અમલમાં છે, જે ભાજપા મોરચાએ મૂળરૂપથી જ રજૂ કર્યો હતો. આ પોટો કઠોર પોટો હોવા છતાં સંસદમાં છેદ કેવી રીતે પડ્યું? પોટોનો જાણે પરપોટો ફૂટી ગયો છે. જો પોટો કરતાં સો ગણો કઠોર કાયદો સરકારના હાથમાં હોત તો પણ તેઓ શું કરી શકત? રાષ્ટ્રની સુરક્ષા માટે કાયદો, હથિયાર, લશ્કર વગેરે તો જોઈએ જ. પરંતુ તેના પહેલા અને સૌધી વધારે જે જોઈએ, તે છે ઈચ્છા-શક્તિ. શું ભારત સરકાર પાસે કોઈ ઈચ્છા શક્તિ છે?

ઈચ્છા શક્તિ જ નહિ, સરકાર પાસે સ્વાભિમાન, સ્વવિવેક પણ નથી રહ્યા. પહેલા તેઓ મુશર્રફને અછુત માનતા  રહ્યા. પછી તેને શું અચાનક ચડી કે તેઓને ભારત બોલાવ્યા અને તેઓ પોતાની બાજીમાં જ માર ખઈ ગયા. એવું લાગે છે કે આ સરકારના નેતાઓ પોતાની બુદ્ધિ ક્ષમતાને કોઈ જુદા જ મુદ્દા પર લડાવી રહ્યા છે. અને સરકારી નીતિઓનાં નિર્માણનું કામ તેઓએ અધિકારીવર્ગ ઉપર છોડી દીધું છે. નહિ તો શું કારણ બને કે સૈન્યની ખરીદીમાં અબજો રૂપિયાના ગોટાળા થઈ જાય અને પ્રધાનોને ખબર જ ન પડે?

દરકે શાસક પ્રથમ વખત અનુભવ વગરનો હોય છે. પરંતુ તેની પાસે તે નક્કી કરવાનો વિવેક અવશ્ય હોય છે કે દેશ માટે શું ફાયદાકારક છે? પ્રશાસન માટે આ પહેલી જરૂરીયાત છે. જો આપણાંમાં તે પણ ન હોય તો આપણી સરકાર ને સરકાર કહેવી જોઈએ કે નહિ? તે એક પ્રશ્ન છે.

યુદ્ધ ન જ થવું જોઈએ તેના પણ કારણો છે, કારણે તેમાં બંને પક્ષે માનવ જાનહાનિ થાય છે. પરંતુ યુદ્ધ નથી થતું તોયે આતંકવાદીઓના હાથે હજ્જારો નિર્દોષ નાગરિકો આજ સુધી મરી ચૂક્યા છે. યુદ્ધ ન થવું જોઈએ કારણ કે તેમાં બંને પક્ષે આર્થિક પાયમાલી સર્જાય છે. પરંતુ યુદ્ધ નથી થતું તોય આતંકવાદનાં ઓછાયા હેઠળ વિકાસની વાતો શક્ય જ નથી.

અલબત્ત આંખ મીંચીને યુદ્ધ આદરી દેવામાં ડહાપણ નથી જ. ભારતને અમેરીકા સાથે સરખાવી ન શકાય. અમેરીકાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનાં અલકાયદા નેટવર્કનાં ત્રાસવાદીઓનાં હુમલા બાદ લગભગ એક મહિને તમામ પૂર્વ તૈયારીઓ કર્યા બાદ જ આક્રમણ કરેલું, જ્યારે ભારતમાં એટલો બધો ઉન્માદ છે. જેમાં કે તેમાં, સંયમ ચૂકી જવાય તો ભારતે ને જ ગંભીર નુકશાન થાય તેમ છે.

અમેરીકા આર્થિક રીતે ખૂબજ મજબૂત રાષ્ટ્ર છે. અફઘાનિસ્તાન અમેરીકા વચ્ચેની ભૌગોલિક પરિસ્થિતિ ભારત-પાકિસ્તાન કરતાં તદ્દન ભિન્ન છે. ભારત પાકિસ્તાનની લડાઈ થાય તો હજ્જારોની જાનહાનિ થાય તેમજ બંને અણુસત્તા હોવાથી ‘ઈસ પાર યા ઉસ પાર’નો ખેલ ખેલાઈ જતાં વાર ન લાગે. વળી ભારતે અમેરીકા તથા બ્રિટનને વિશ્વાસમાં લીધા સિવાય કોઈપણ પ્રકારનું આંધળુંકીય દુઃસાહસ ન કરવું જોઈએ. પરંતુ પાકિસ્તાનનો નકાબ ચીરી નાંખી ને આતંકવાદ ને જ નિર્મૂળ કરવાની (પાકિસ્તાનને નહિ) પોતાની પ્રતિબદ્ધતા સિદ્ધ કરી દેવી જોઈએ.

ભારતાં બંધારણની કલમ 352 મુજબ દેશની સંસદ કે રાષ્ટ્રપતિ ભવન જેવી ઈમારતો પર જો કોઈ બાહ્ય હુમલો થાય ચો કટોકટી જાહેર કરી દેવાની સત્તાઓ છે. અટલજીના સ્થાને આજે ઈંદીરા ગાંધી જો દેશનાં વડાપ્રધાન હોત તો સંસદભવન પરનાં હુમલા પછી ગણતરીની મિનિટોમાં જ તેમણે કટોકટી જાહરે કરી દીધી  હોત અને સરકારને ત્યારબાદ મળતી વિશાળ સત્તાઓ થકી કાશ્મીર તેમજ આખા દેશમાં રહેલા ત્રાસવાદીઓનો સફાયો કરી નાંખવામાં જરાક પણ મોડું ન કરત.

ભારતીય જનતાપક્ષની પહેલેથી મોટી ખામી એ રહી છે કે હંમેશા ‘દેશહિત’ને બદલે ‘‘લોકપ્રિયતા’’ કે ‘‘લોકલાગણી’’ના દ્રષ્ટિબિંદુથી જ વિચારે છે. ઘણા એવા સંજોગો હોય છે, જેમાં લોકલાગણીની વિરૂદ્ધ પણ નિર્ણયો લેવા પડતા હોય છે કે જે દેશહિતમાં હોય. કટોકટી શબ્દને બદનામ કરનારા આ જ લોકો હતા. તેથી આ કાયદાને જ હવે તેઓ અછુત માને છે. કટોકટી સત્તાના દુરૂપયોગને કારણે બદનામ થઈ હતી. આ કાયદો કેટલો જરૂરી છે તે સમજવા માટે કદાચ આજનો સમય સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. જો કે કટોકટી બાદ તે કાયદામાં સુધારો પણ થયો છે અને તે મુજબ પણ આ હુમલો ‘‘બાહ્ય આક્રમણ’’ની વ્યાખ્યામાં આવી જાય છે.

યુદ્ધનો વિકલ્પ અંતિમ જ હોઈ શકે. પરંતુ ભારતે આંતરરાષ્ટ્રિય સમુદાયને એક વાતની પ્રતિતિ કરાવી દેવી જોઈએ કે ભારતે તેની એ ધીરજ કે સંયમ ગુમાવી દીધો છે. જે એની પોતાની આજ સુધી વિશિષ્ટતા હતી.

Leave a reply

Scroll Up