Blog

અમદાવાદના એક જાગૃત વ્યંઢળનું મંતવ્ય

ભારત સાથે પાકિસ્તાન આટલી બદમાશી કરે છે અને આટલા બધાં લોકો કહે છે તો પાકિસ્તાનને પતાવી જ દેવું જોઈએ ને!

તમે છાપાંવાળા અમને પૂછો ભલે પણ નામ નહીં લખતાં કારણ કે અમારામાં અમારા ગૂરૂને પૂછ્યા સિવાય અમે કાંઈ કરી ન શકીએ નહી તો અમને અમારા સમાજની બહાર કાઢી મૂકવામાં આવે. તમે જો ભૂલથી યે મારૂં નામ લખશો તો આટલી ઉંમરે હું ક્યાં જઈશ?

આતંકવાદીઓએ ભારતનાં હૃદય પર પ્રહાર કર્યો છે, તેથી જનતામાં ખૂબ રોષ છે. તેમની સ્વાભિમાન અને ગૌરવની લાગણી ઘવાઈ છે. અને એથી જ પાકિસ્તાન કે જે લશ્કરે તોયબા કે જૈશ એ મોહંમ્મદ જેવા ત્રાસવાદી સંગઠનોને સમર્થન આપતું રહ્યું છે, તેને સબક શીખવાડવાની વાત લોકલાગણીમાં વ્યક્ત થાય છે.

‘આરપાર’ની ટીમે ગયા અઠવાડીયામાં ગુજરાતભરમાં સર્વે કરીને લોકલાગણી શી છે? તે જાણવા પ્રયાસ કર્યો. આ સર્વેક્ષણની વિગતો અને હકીકતો ચોંકાવી દે તેવી છે. ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, પોરબંદર ઉપરાંત કુલ 14 જિલ્લાઓનાં લગભગ 170 જેટલા ગામડાઓમાંથી 22192 લોકોનો સંપર્ક કર્યો. જેમાંથી 91% લોકોએ સોઈ ઝાટકીને કહ્યું કે ભારતે પાકિસ્તાન પર આક્રમણ કરવું જોઈએ. 7% લોકોએ સ્પષ્ટ કહ્યું કે યુદ્ધ ન કરવું જોઈએ, જ્યારે 2% લોકો આ બાબતે પોતાનું મંતવ્ય આપવામાં અનિર્ણિત રહ્યા હતા. ‘આરપાર’ની સર્વે કરનારી ટીમમાં કુલ 96 જેટલા યુવક યુવતીઓએ ખુબ મહેનત કરીને ગુજરાતની લોકલાગણીનું સ્પષ્ટ પ્રતિબિંબ ઝીલ્યું હતું. સંપર્ક કરાયેલા લોકોમાં વિશેષતાઓ અનેક પ્રકારે હતી. મહદ્ અંશે એક સૂર હતો. પરંતુ લોકોએ પોતાની તીવ્ર પ્રતિક્રિયાઓ આપતી વખતે જે શબ્દો વાપર્યા હતા, તે દર્શાવતું હતું કે તેઓના ઘવાયેલા હૃદયનાં ઊંડાણમાંથી આ શબ્દો બહાર આવી રહ્યા હતા. આ સર્વે એ એક બાબત નિઃશંક પણે સાબિત કરી આપી કે ગુજરાતની જનતા પોતાના દેશને કેટલો ચાહે છે. મા-ભોમ માટે મરી ફીટવા માટેની તત્પરતા અનેક લોકોને રૂબરૂ મુલાકાતોમાં દાખવી. અમારી ટીમે એકત્ર કરેલા મંતવ્યો, જે ‘આરપાર’નાં રેકર્ડમાં આજે મોજુદ છે, તેમના એક એક શબ્દ હૃદય સ્પર્શી છે. કેટલાકે ચિંતા વ્યક્ત કરી છે, તો કેટલાંકની વેદના સામેવાળાની આરપાર સોંસરવી ઉતરી જાય છે તો કેટલાંકનું ખમીર સરહદ પર પોતે જ લડવા જઈને મા-ભોમની રક્ષા કાજે શહીદ થવા માટેનો લલકાર કરે છે.

એક વડીલ મુરબ્બીએ પ્રત્યાઘાત આપતા કહ્યું કે મારે બે દિકરા છે. એક દિકરાને પરિવારની સારસંભાળ માટે રાખીને હું તથા બીજો દિકરો સરહદ પર લડવા જવા તૈયાર છીએ. બોલો આપ એમા અમને કઈ મદદ કરી શકો છો? એક બહેને કહ્યું હતું કે અટલજીને કહો કે ગાદી છોડી દે અને કોઈપણ મહિલાને શાસન સોંપી દે પછી જુઓ કે મહિલા કેવી ઈંદીરા ગાંધીની જેમ પાકિસ્તાનને પાઠ ભણાવે છે? ગાંધીનગર એસ.ટી. બસ સ્ટેન્ડનાં સ્ટાફેતો એટલો બધા સહકાર આપ્યો કે તેઓની સક્રિયાતી એ ઘણો લોકોનો ઉત્સાહ વધારેલો.

‘આરપારે’ જે સર્વે કર્યો તેમાં અમે એક નિયમ શક્ય હોય ત્યાં સુધી પાળવા બધાને વિનંતી કરેલી, મંતવ્ય આપનારે તેમના નામ-સરનામા કે સંપર્ક નંબર ખાસ આપવા.

વાંચકોને જાણીને આશ્ચર્ય થશે કે એમાંનાં મોટા ભાગનાં લોકોએ તેઓના સંપર્ક-સરનામા-નામ આપવામાં ઉત્સાહ દાખવ્યો છે. એક ગામડામાં રહેતાં સજ્જને કહ્યું કે મારે ફોન નંબર તો નથી, પરંતુ મારી ટેક્સી નંબર નોંધી લો, કાંઈ પણ જરૂર પડે તો આખુ ગામ મને ઓળખે જ છે….!

સર્વેમાં બહેનોએ પણ ખૂબ આક્રમક સ્વરે કહ્યું કે પાકિસ્તાનને પદાર્થ પાઠ ભણાવવાનો સમય પાકી ગયો છે. ગુજરાતનાં મુસ્લિમોએ પોતાનો દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં કહ્યું કે, આતંકવાદ જે પણ પ્રકારનો હોય, જે પણ દેશમાં હોય, તેનો નાશ કરી દેવામાં આવે. હજ્જારો પ્રતિક્રિયાઓને વાંચકો સમક્ષ લાવવી શક્ય નથી. સ્થળ સંકોચના કારણે થોડાક પ્રતિભાવો અહિયા આપ્યા છે. પરંતુ ‘આરપાર’ આ દરેક પ્રતિક્રિયા વ્યક્ત કરનારનો હાર્દિક આભાર માની તેઓને હૃદય પૂર્વકનાં અભિનંદન પણ પાઠવે છે.

આરપાર કાર્યાલયે લોકોની પ્રતિક્રિયાઓ જાણવા સ્થળ ઉપર જુદી જુદી ટુકડીઓ મોકલેલી તે ઉપરાંત અખબારોમાં જાહેરાત આપીને વધારેમાં વધારે લોકો સુધી પહોંચવા માટેનું અભિયાન પણ આદર્યું હતું. આના કારણે આરપાર કાર્યાલય ને છ દિવસ સુધી સતત 24 કલાક કાર્યરત રાખવું પડેલું. લોકોનો ઉત્સાહ જોતાં અમારે કાર્યાલયનાં ફોન ઉપરાંત મોબાઈલ નંબર પણ આપવો પડ્યો હતો. છતાં ટેલિફોનની ઘંટડીઓ સતત મધ્ય રાત્રી સુધી રણકતી રહેતી હતી. જે દર્શાવે છે કે લોકોને પોતાના રાષ્ટ્રની સુરક્ષાની ચિંતા છે? લોકો પોતાનાં દેશને કેટલો ચાહે છે?

બીજા શબ્દોમાં કહીએ ગુજરાતનાં લોકોમાં રાષ્ટ્ર ભાવના કેટલી હદે છે તેનું પ્રતિબિંબ આ પ્રતિક્રિયાઓ (ચાહે હકારમાં કે નકારમાં) પ્રત્યેકની તત્પરતામાં પ્રતિબિંબીત થાય છે.

યુદ્ધ થશે કે નહિ? તેનો ઉત્તર તો ભાવિનાં ગર્ભમાં છુપાયો છે. યુદ્ધ કરવું જોઈએ કે નહિ? તે અંગે મતમતાંતરો છે.

ભારત સરકારે શો નિર્ણય લેશે તે હજી નિશ્ચિત નથી પરંતુ ગુજરાતની જનતાએ પોતાનો ચુકાદો ભારે બહુમતિથી આપી દીધો છે કે પાર્થને કહો ચડાવે બાણ…. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ!?!

સર્વેનો મુખ્ય પ્રશ્ન- ભારતે પાકિસ્તાન ઉપર આક્રમણ કરવું જોઈએ કે નહિ?

Leave a reply

Scroll Up